- લાલ સમુદ્રમાં હૂતી બળવાખોરો સામે અમેરિકાની કાર્યવાહી
- અમેરિકન હેલિકોપ્ટરોએ હૂતી વિદ્રોહીઓને નિશાન બનાવ્યા
- હૂતી વિદ્રોહીઓના એક પ્રવક્તાએ 10ના મોતની કરી પુષ્ટિ
અમેરિકાએ લાલ સમુદ્રમાં હૂતી બળવાખોરો સામે કાર્યવાહી કરી અને તેના 3 જહાજોને ડૂબાડી દીધા છે. આ હુમલામાં 10 બળવાખોરો માર્યા ગયા છે. હૂતી બળવાખોરો લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં વેપારી જહાજો પર સતત હુમલા કરી રહ્યા છે. હૂતી બળવાખોરોએ સિંગાપોરના ધ્વજવાળા મેર્સ્ક હાંગઝોઉ પર ચઢવાનો પ્રયાસ કર્યો. આ હુમલાના જવાબમાં, રવિવારે, અમેરિકન હેલિકોપ્ટરોએ હૂતી વિદ્રોહીઓને નિશાન બનાવ્યા અને તેમના જહાજોને મિસાઇલોથી નષ્ટ કરી દીધા.
મેર્સ્ક અને યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ જણાવ્યું હતું કે રવિવારે નૌસૈનિક યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હુમલાખોરોએ સિંગાપોરના ધ્વજવાળા મેર્સ્ક હાંગઝોઉ પર ચઢવાનો પ્રયાસ કર્યો. સેન્ટકોમે જણાવ્યું હતું કે યુએસએસ આઈઝનહોવર અને યુએસએસ ગ્રેવલીના હેલિકોપ્ટર કોલ મળ્યા બાદ હુમલાખોરોને ભગાડવા માટે જહાજની સુરક્ષા ટીમમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ, હૂતી વિદ્રોહીઓના એક પ્રવક્તાએ કહ્યું કે લાલ સમુદ્રમાં અમેરિકન સેના દ્વારા તેમની બોટ્સ પર હુમલો કર્યા બાદ 10 હૂતિ નૈસૈનિકોના મોત થયા છે.
આ હુમલા બાદ દુનિયાની સૌથી મોટી શિપિંગ કંપનીઓમાંની એક મેર્સ્ક તરફથી નિવેદન આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ જહાજોને 48 કલાક માટે લાલ સમુદ્રમાંથી પસાર થવાથી રોકી દેવામાં આવ્યા છે.
હૂતીઓએ વારંવાર લાલ સમુદ્રના શિપિંગ લેનમાં જહાજોને નિશાન બનાવ્યા છે, તેમનું કહેવું છે કે તેઓ ગાઝામાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં છે, જ્યાં ઇઝરાયેલ હમાસ જૂથ સામે લડી રહ્યું છે. આ હુમલાઓને કારણે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા આ માર્ગ પર ખતરો વધવા લાગ્યો છે. અમેરિકાએ સતત હુમલાને કારણે લાલ સમુદ્રમાં સુરક્ષા સઘન બનાવી છે.


