- રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ વેચાણ સપ્લાયમાં કોઇ સમસ્યા નહીં
- પેટ્રોલ પંપ સંચાલક એસો. તરફથી વ્યવસ્થા કરાઇ છે
- પેટ્રોલ પંપ પર હાલમાં કોઇ પ્રકારની સમસ્યા નહી
અકસ્માતના કેસમાં નવા કાયદાના વિરોધનો મામલો હવે એક તરફ ઉગ્ર બની રહ્યો છે ત્યાં બીજી તરફ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સપ્લાય પર અસર થવાના એંધાણ લાગી રહ્યા છે. આ વચ્ચે પેટ્રોલ પંપ એસોસિએશને જણાવ્યું કે, હાલમાં હડતાળથી સપ્લાયમાં કોઈ મુશ્કેલી જોવા મળશે નહીં.
રાજભરમાં નવા અકસ્માત કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ ચાલી રહી છે. જેના કારણે વિવિધ સ્થાનો પર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ઘણાં સ્થાનો પર જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓની સપ્લાયમાં અસર જોવા મળી શકે છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગે લોકો ચિંતિત બની પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લગાવી રહ્યા છે.
આ વચ્ચે ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાશની અછત નહીં વર્તાય. ટ્રક ડ્રાઈવરોની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે, જો કે લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, કેમ કે ગુજરાતમાં હડતાળના પગલે કોઈ અછત નહીં સર્જાય.
કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન કાયદાના વિરૂદ્ધમાં દેશભરમાં ટ્રકચાલકોની હડતાળથી અફરાતફરીનો માહોલ છે. ગુજરાતથી માંડીને દેશભરના વિવિધ રાજ્યોમાં નવા કાયદાના વિરોધમાં ટ્રકચાલકો રસ્તા પર ઉતર્યા છે. તેમના દ્વારા કાયદો પરત ખેંચવાની માગ કરી રહ્યા છે. જ્યારે સતત બીજા દિવસે રસ્તા પર ટ્રકોના પૈડા થંભી જતા, હવે ધીમે ધીમે તેની અસરો જોવા મળી રહી છે.


