- પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં હિંદુ તબીબ યુવતી ચૂંટણીના રણમેદાનમાં
- 25 વર્ષીય સવીરા પ્રકાશનો પરિવાર 37 વર્ષથી પીપીપીના સમર્થનમાં
- સવીરાએ ભારત સાથે સારા સંબંધોને લઈ ભાર મૂક્યો
પાકિસ્તાનમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાની બુનેર બેઠક પર પીપીપીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી પ્રથમ હિંદુ ઉમેદવાર ડૉકટર સવીરા પ્રકાશે ભારત સાથે સારા સંબંધો પર ભાર મૂક્યો છે. સવીરાનું કહેવું છે તે તે ચૂંટણી જીતશે તો પાકિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધો રચવા બ્રિજ બનાવવાનું કામ કરશે. ઉપરાંત તેને જણાવ્યું કે ખૈબર પખ્તુનખ્વામાં મહિલા અધિકારોની લડાઈને પણ પોતાના એજન્ડામાં સૌથી ઉપર જણાવ્યું છે. સવીરા પ્રકાશ વ્યવસાયે તબીબ છે. પાકિસ્તાનનો લઘુમતી સમુદાય પણ ચૂંટણીમાં સવીરાને આશાભરી નજરે જુએ છે.
ડૉકટર સવીરા પ્રકાશના પિતા ઓમ પ્રકાશ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પીપીપીના સભ્ય છે અને બિલાવલ ભુટ્ટોએ આ ચૂંટણીમાં સવીરાને ટિકિટ આપી છે. સવીરા પ્રકાશ હાલ દિવસ-રાત ચૂંટણી પ્રચારમાં લાગેલી છે.
પાકિસ્તાનમાં મીડિયા સાથે વાત કરતા 25 વર્ષીય સવીરા પ્રકાશે જણાવ્યું કે, તેને બુનેરની દીકરીની પદવી મળેલી છે. અન્ય ધર્મના લોકોએ પણ તેને ચૂંટણી જીતાડવાનું આશ્વાસન આપ્યું છે. દુનિયામાં સૌથી મોટો ધર્મ માનવ ધર્મ છે અને તે આ ધર્મ માટે કામ કરશે. ડૉકટર સવીરાએ ચૂંટણી જીતવા પીપીપીની પસંદગી પર કહ્યું કે તેના પરિવારને પાર્ટી સાથે 37 વર્ષ જૂનો સંબંધ છે.
ભારત સાથે સંબંધ સુધારવાનું લક્ષ્ય
સવીરાએ કહ્યું કે મને પશ્તૂન સંસ્કૃતિનો હિસ્સો હોવાનો ખૂબ ગર્વ છે, પરંતુ જ્યારે મને ચૂંટણી માટે પાર્ટીએ ટિકિટ આપી તો મુસ્લિમ સમાજ તરફથી જે ટેકો મળ્યો એનાથી મારું મનોબળ હિમાલય કરતાં ઊંચું કરી નાંખ્યું છે. તેણે આગળ જણાવ્યું કે, હું એક દેશભક્ત હિંદુ અને બુનેરની દીકરી છું. હું ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચેનાં સંબંધો પ્રત્યે સકારાત્મક ભૂમિકા નિભાવીશ.
મહત્ત્વનું છે કે, પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોની ગોવા યાત્રાને ભારત-પાક સંબંધોને પ્રોત્સાહન આપવાની દિશામાં સકારાત્મક વિકાસ જણાવ્યું. આગામી આઠ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના પ્રાંતોની એસેમ્બલી માટે મતદાન યોજાશે.


