- અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયું નગારું
- 20 કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી બનાવ્યું
- નગારાને ફરતા સોના અને ચાંદીનું નક્સીકામ કરવામાં આવ્યું
અમદાવાદમાં તૈયાર થયેલ 56 ઇંચનું નગારું અયોધ્યાની શાન વધારશે. જેમાં અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા નગારું તૈયાર કરાયું છે. નગારાને ફરતા સોના અને ચાંદીનું નક્સીકામ કરવામાં આવ્યું છે. 450 કિલો વજન ધરાવતું નગારું અયોધ્યા મોકલવામાં આવશે.
આવતીકાલે નગારાની શોભાયાત્રા દરિયાપુરમાં યોજાશે
આવતીકાલે નગારાની શોભાયાત્રા દરિયાપુરમાં યોજાશે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. ગુજરાતથી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો. તો વળી 108 ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે. આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું 56 ઈંચ ઊંચું તૈયાર કર્યું છે. જ્યારે તેનું વજન 25 મણ છે. આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે.

20 કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી બનાવ્યું
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વર્ષોથી જે ઘડીની રાહ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે. ત્યારે રામ મંદિર પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળકાય નગારું તૈયાર કરાયું છે. ડબગર સમાજે તૈયાર કરેલ નગારાને 14 જાન્યુઆરીએ અયોધ્યા લઇ જવામાં આવશે. 20 કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે. દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈને કંઈ ભેટ આપી રહ્યા છે. ત્યારે ડબગર સમાજના પ્રતીક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઈચ્છા છે. વર્ષો સુધી નગારાને કંઈપણ ના થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.


