- પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણીને લઈ માલદીવના મંત્રીઓ સામે વિરોધ
- સોશિયલ મીડિયામાં બોયકોટ પણ ટ્રેન્ડિંગમાં
- ભારતના વિરોધથી માલદીવના ટુરિઝ્મ પર અસર પડી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી માલદીવના ટુરિઝ્મ પર ભારે પડી શકે છે. ટ્રેવલ ક્ષેત્રની દિગ્ગજ ભારતીય કંપની ઈઝી માય ટ્રિપે માલદીવ જતી તમામ ફલાઈટ્સના બુકિંગ કેન્સલ કર્યા છે. ટુરિઝમ પર ઘણાં અંશ સુધી નિર્ભર માલદીવ જેવા દેશ માટે આ મોટો આંચકો સાબિત થઈ શકે છે.
દેશની મોટી ટ્રાવેલ કંપની ઈઝી માય ટ્રિપે માલદીવની તમામ ફલાઈટ્સ બુકિંગ કેન્સલ કરી દીધી છે. કંપનીના ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ અંગેની જાણકારી આપી હતી. નિષાંત પિટ્ટીએ કહ્યું કે દેશની એકજૂથતામાં સામેલ થવા ઈઝી માય ટ્રિપે માલદીવની ફલાઈટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે નોંધાવ્યો વિરોધ
ઉલ્લેખનીય છે કે માલદીવના મહિલા મંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીને લઈ સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મુદ્દે ભારતે માલદીવના મોહમ્મદ મુઈજ્જુ સરકારની સમક્ષ ઉઠાવ્યો હતો. માલેમાં ભારતીય હાઈકમિશનરે મંત્રીની ટિપ્પણી પર ભારે વિરોધ નોંધાવ્યો હતો. ભારતના વિરોધને લઈ માલદીવ સરકારે નિવેદન ઈશ્યુ કરી કહ્યું કે આ તેમનો વ્યકિતગત મત છે. મંત્રીની આ ટિપ્પણી માલદીવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતી.
કોમેન્ટ કરનાર મંત્રી સસ્પેન્ડ
ભારતના આકરાં વિરોધ બાદ એક્શ લેતા માલદીવ સરકારે પીએમ મોદી વિરુદ્ધ આપત્તીજનક ટિપ્પણી કરવાને લઈ મંત્રી મરિયમ શિઉનાની સાથે માલશા શરીફ અને મહઝુમ માજિદને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવ સરકારના પ્રવક્તા મંત્રી ઈબ્રાહિમ ખલીલે જણાવ્યું કે, વિવાદિત ટિપ્પણીઓ માટે જવાબદાર ત્રણ મંત્રીઓને તેમના પદથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
વાસ્તવમાં આ આખો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ શરૂ થયો હતો. લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની યોજના બનાવવાની અપીલ કરી હતી. આ પછી માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે ટ્વીટની ટીકા થયા બાદ તેણે તેને ડીલીટ પણ કરી દીધું હતું.
માલદીવના વિપક્ષોએ પણ ટીકા કરી હતી
માલદીવના પૂર્વ મંત્રીના નિવેદનની માલદીવ નેશનલ પાર્ટીએ પણ ટીકા કરી હતી. એક પોસ્ટમાં, માલદીવ નેશનલ પાર્ટીએ કહ્યું હતું કે માલદીવ નેશનલ પાર્ટી એક વિદેશી રાજ્યના વડા વિરુદ્ધ સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલી જાતિવાદી અને અપમાનજનક ટિપ્પણીની નિંદા કરે છે. આ અસ્વીકાર્ય છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સંડોવાયેલા લોકો સામે જરૂરી પગલાં લેવામાં આવે.


