- સતત ચોથી જીત સાથે શેખ હસીનાની વાપસી લગભગ નિશ્ચિત
- લગભગ 40 ટકા મતદાન થયાનું પ્રાથમિક અનુમાન, આંકડો વધી શકે
- ચૂંટણી દરમિયાન કેટલાક મતદાન કેન્દ્રો પર આગચંપી સહિતની હિંસક ઘટનાઓ બની
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઇને સાંજે 4 વાગ્યે સંપન્ન થયું. ત્યાર બાદ તરત મતગણતરી પણ શરૂ થઇ ગઇ હતી, જે આજે પણ ચાલુ રહી શકે છે. ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. છૂટીછવાઇ હિંસા, મુખ્ય વિપક્ષ બીએનપી અને તેના સાથી પક્ષોના બહિષ્કાર વચ્ચે પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું, જેને ધ્યાનમાં લેતાં શેખ હસીના ચોથી વખત વડાંપ્રધાન બની શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલે કહ્યું હતું કે પ્રાથમિક અનુમાન પ્રમાણે લગભગ 40 ટકા મતદાન થયું છે પણ છેલ્લો આંકડો બદલાઇ શકે છે. ચૂંટણી દરમિયાન કેટલાક મતદાન કેન્દ્રો પર આગચંપી સહિતની હિંસક ઘટનાઓ પણ બની હતી. ઢાકાના હજારી બાગમાં બે ક્રૂડ બોમ્બ વિસ્ફોટમાં એક બાળક સહિત ચાર લોકો ઘવાયા હતા. આ ચૂંટણીમાં શેખ હસીનાએ બાંગ્લાદેશને 2030 સુધીમાં દોઢ કરોડ રોજગારીઓ ઊભી કરવાનું તેમજ 2041 સુધીમાં સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનું વચન આપ્યું છે. સત્તારૂઢ અવામી લીગે સ્માર્ટ બાંગ્લાદેશ માટે 11 પ્રાથમિકતા નક્કી કરી છે, જેમાં મોડર્ન હેલ્થકેર સેક્ટર સાથેના આધુનિક રાષ્ટ્રના નિર્માણનો પણ સમાવેશ થાય છે. બાંગ્લાદેશની ચૂંટણી પર ભારત, ચીન અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વની નજર છે.
શેખ હસીના 2009થી સત્તા પર
76 વર્ષનાં શેખ હસીના બાંગ્લાદેશમાં વર્ષ 2009થી સત્તા પર છે. તેમના પક્ષ અવામી લીગે ડિસેમ્બર, 2018માં યોજાયેલી ગત ચૂંટણી પણ જીતી હતી. આ વખતની એકતરફી ચૂંટણીમાં પણ જીત સાથે તેમનું સતત ચોથી વખત સત્તામાં આવવું નિશ્ચિત મનાઇ રહ્યું છે. તેમણે મતદાન બાદ પત્રકારો સાથે વાતચીતમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશનું ભરોસાપાત્ર મિત્ર છે.
પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયા નજરકેદ
બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષ એવા પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાના કારણે વડાંપ્રધાન શેખ હસીના સતત ચોથી વખત જીતે તેવી પ્રબળ શક્યતા છે. ખાલિદા ભ્રષ્ટાચારના આરોપો હેઠળ દોષિત ઠર્યા બાદ ઘરમાં નજરકેદ હેઠળ છે.


