- રોડ સહિત ટ્રાન્સ્પોર્ટેશનને વધુ વિક્સાવાશે,બિઝનેસ સેન્ટરથી લઇ હાઇફાઇ હોટલ અને રેસ્ટોરન્ટ બનાવાશે
- બુલેટ ટ્રેન માટે સાબરમતી રેલ્વે સ્ટેશન અને કાલુપુર રેલ્વે સ્ટેશનને વિકસાવાશે
- સાબરમતી રેલવે સ્ટેશન આસપાસના એક કિલોમીટરના વિસ્તારને વિકસાવાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઇને પૂરઝડપે કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન માટે સાબરમતી રેલ્વે સ્ટેશન અને કાલુપુર રેલ્વે સ્ટેશનને વિકસાવાશે. પરંતુ પ્રથમ સાબરમતી રેલ્વે સ્ટેશન પર વધુ ભાર અપાઇ રહ્યો છે. કારણ કે બુલેટ ટ્રેન પકડવા માટે બુલેટ ગતિએ સ્ટેશન સુધી પહોંચવા સાબરમતી રેલ્વે સ્ટેશનની ફરતે એક કિલોમીટરના વિસ્તારને વિકસાવાશે. જેમાં સ્ટેશનના એક કિલોમીટરની ફરતે આવેલા જંક્શન અને રસ્તામાં સુધારા-વધારા કરાશે. સ્ટેશન સુધી પહોંચવા ટ્રાન્સ્પોર્ટેશનને વધુ વિક્સાવાશે. સ્ટેશનની આસપાસ બિઝનેસ સેન્ટરથી લઇ હાઇફાઇ હોટલ અને રેસ્ટોરન્ટ બનવાની પણ શક્યતા છે. સંપૂર્ણ આયોજનને અંદાજે ચાર વર્ષનો સમય લાગશે.
અમદાવાદથી મુંબઇ માત્ર સવા બે કલાકમાં પહોંચવા માટે બુલેટ ટ્રેન મહત્વનું ટ્રાન્સ્પોર્ટેશન બનશે. બુલેટ ટ્રેન માટે સાબરમતી રેલ્વે સ્ટેશનને વિકસાવાનું આયોજન ચાલી રહ્યું છે. ઔડા અને મ્યુનિ.કોર્પોરેશનની સંયુક્ત ટીમ દ્વારા કામગીરી પણ ચાલી રહી છે. કોઇ પણ વાહનમાં આવતો પેસેન્જર સાબરમતી રેલ્વે સ્ટેશન પર સરળતાથી પહોંચી શકે તે માટે ટ્રાન્સ્પોર્ટેશન પર વધુ ધ્યાન અપાઇ રહ્યું છે. જેના માટે જાપાનની ઇન્ટરનેશનલ કો. ઓપરેશન એજન્સી સાથે મળી સ્ટેશનના વિકાસ માટે આયોજન ચાલી રહ્યું છે. હાલ સ્ટેશનની આસપાસના સાંકડા રસ્તા અને સુભાષબ્રિજ આરટીઓ કચેરી પાસેના સાબરમતી બ્રિજ પાસે થતા ટ્રાફિક જામને જોતાં સુવ્યવસ્થિત પ્લાનિંગ કરાઇ રહ્યું છે. જેમાં સ્ટેશનની આસપાસના રોડમાં સુધારા-વધારા કરાશે. સ્ટેશનના આયોજનથી પ્રાઇવેટ સેક્ટર દ્વારા પણ સ્ટેશનની ફરતે એક કિલોમીટર વિસ્તારમાં હાઇરાઇઝ કોમર્શિયલ સેન્ટર, બિઝનેસ સેન્ટર, હોટેલ અને રેસ્ટોરન્ટ બનવાની શક્યતા છે. જેમાં બહારથી અમદાવાદ આવતા લોકોને સ્ટેશનની આસપાસ રહેવા અને ગુજરાતી સહિતનું ફુડ મળી શકે. રસ્તાના સુધારા-વધારાથી સાબરમતી રેલ્વે સ્ટેશનથી લઇ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઇ જાય તેવો પ્રયાસ થઇ રહ્યો છે. હજી ઘણા સુધારા-વધારા થઇ રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, બુલેટમાં માત્ર સવા બે કલાકમાં મુંબઇ પહોંચી જવાશે. ટ્રેન અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી કાલુપુર, નડિયાદ, બરોડા, ભરુચ થઇ મુંબઇ પહોંચશે. જેથી મુંબઇથી આવનાર અને જતાં પેસેન્જરને ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા મળી રહે તે જરુરી છે.
સ્ટેશનમાં પાર્કિંગની સુવિધા વધુ રખાશે
બુલેટ ટ્રેન કાર્યરત થતાની સાથે ટ્રેનની સવારી વન-ડે થઇ જશે. જેથી સ્થાનિકો પોતાના વાહન લઇને આવશે તો વાહનના પાર્કિંગ માટે સાબરમતી રેલ્વે સ્ટેશન પર સુવિધા ઉભી કરાશે. મોટાભાગે કારના પાર્કિંગને ધ્યાનમાં રાખી મલ્ટીલેવલ પાર્કિંગ ઉભું કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જો સ્ટેશન સિવાય એરાઉન્ડ ધ એક કિલોમીટરમાં મલ્ટીલેવલ પાર્કિંગ ઉભું કરાય તો ત્યાંથી સ્ટેશન સુધી પહોંચવા ટ્રાન્સ્પોર્ટેશનની સરળ વ્યવસ્થા ઉભી કરાશે. જેથી કરીને વાહન પાર્ક કર્યા પછી વાહન ચાલક અટવાઇ પડે નહીં.


