- વેકેશન ગાળીને જમૈકા જઈ રહેલા કેનેડીયન પીએમ ફસાયા
- કેનેડાના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ પ્લેનમાં ખરાબીની કરી પુષ્ટિ
- કેનેડાથી કેનેડિયન એરફોર્સના વધુ બે એરક્રાફ્ટ મોકલાયા
પોતાની વિદેશ યાત્રા દરમિયાન ખરાબ પ્લેનને કારણે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની એકવાર ફરી ફજેતી થઈ છે. કેનેડીયન મીડિયાના જણાવ્યા પ્રમાણે મસ્તીન ટ્રુડો પોતાનું વેકેશન ગાળવા માટે જમૈકા ગયા હતા. આ દરમિયાન રૂટિન ચેકિંગ દરમિયાન તેમના પ્લેનમાં ટેકનિકલ ખરાબી જોવા મળી હતી. ત્યારબાદ, તેને સરખું કરવા માટે કેનેડાથી વધુ એક પ્લેન જમૈકા મોકલવામાં આવ્યું.
રિપોર્ટ અનુસાર, જસ્ટિન ટ્રુડો વેકેશન ગાળ્યા બાદ 4 જાન્યુઆરીએ જમૈકા જવાના હતા. પરંતુ 2 જાન્યુઆરીએ નિયમિત ચેકિંગ દરમિયાન પ્લેનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. કેનેડાના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું છે કે અમે પુષ્ટિ કરી છે કે બે રોયલ કેનેડિયન એરફોર્સ CC-144 ચેલેન્જર્સ એરક્રાફ્ટને વડાપ્રધાનના જહાજના સમારકામ માટે મોકલવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાંક મહિનાઓમાં આ બીજીવાર બન્યું છે કે જ્યારે યાત્રા દરમિયાન ટ્રુડોનું પ્લેન ખરાબ થયું હોય. આ પહેલા સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હી ખાતે સંપન્ન થયેલ G20 સમિટ દરમિયાન પણ ટ્રુડોનું પ્લેન ખરાબ થયું હતું. જેને કારણે તેમણે વધુ 36 કલાક સુધી દિલ્હીમાં રોકાવું પડ્યું હતું.
પહેલા પણ થઈ ચૂકી છે ફજેતી
આ પહેલા વર્ષ 2016માં ટ્રુડોના પ્લેનમાં ટેકનિકલ ખામી આવી હતી અને ફ્લાઇટ ટેક ઓફ કર્યાના અડધા કલાકમાં જ પ્લેને ઓટવા પરત ફરવું પડ્યું હતું. તે સમયે ટ્રુડો કેનેડા-યુરોપિયન સંઘ વ્યાપક આર્થિક અને વ્યાપારિક કરાર પર હસ્તાક્ષર કરવા માટે બેલ્જિયમ જઈ રહ્યા હતા.


