- પાડોશી દેશ બાંગ્લાદેશમાં રવિવારે ચૂંટણી યોજાવાની છે
- બાંગ્લાદેશમાં વિપક્ષના સભ્યોએ મતદાનની બહિષ્કારની જાહેરાત કરી
- અસામાજિક તત્વોએ એક્સપ્રેસ ટ્રેન અને શાળાને આગને હવાલે કરી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં રવિવારે સમગ્ર દેશમાં મતદાન યોજાવાનું છે ત્યારે ચાર મતદાન કેન્દ્રો સહિત પાંચ પ્રાથમિક શાળાઓમાં આગચંપીની ઘટનાઓ સામે આવી છે. પોલીસે રાજધાની ઢાકાના બહાર આવેલા ગાઝીપુરમાં લાગેલી આગને લઈ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને આશંકા છે કે રવિવારે યોજાનારા મતદાનમાં વિઘ્ન નાખવાના હેતુથી ગત રાત્રે શાળામાં આગ લગાડવામાં આવી હતી.
જ્યારે આ સિવાય ઢાકા જતી એક એક્સપ્રેસ ટ્રેનમાં પણ અસામાજિક તત્વોએ આગચંપી કરતા પાંચ લોકોનાં મોત થયા હતા. આ તમામ ઘટનાઓ ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના પ્રમુખ વિપક્ષના સભ્યોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. તેઓનું કહેવું છે કે વડાપ્રધાન શેખ હસીના સત્તામાં રહેતા દેશમાં નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. જેથી વિપક્ષે એવી શરત મુકી છે કે ચૂંટણીમાં ત્યારે જ તેઓ ભાગ લેશે જ્યારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર હેઠળ ચૂંટણી યોજવામાં આવે. વિપક્ષે શનિવારે 48 કલાકનું બંધનું એલાન કર્યું હતું. જે બાદ રેલીઓ અને નાની-મોટી આગચંપીના બનાવો સામે આવી રહ્યા છે. આમ છતાં શાંતિનો માહોલ યથાવત્ રહ્યો છે.
હિંસા અને આગચંપીની ઘટનાને લઈ પોલીસની ટુકડીએ માર્ચ શરૂ કરી દીધું છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા અમે હાઈએલર્ટ પર છીએ.
પોલીસની અભેદ્ય કિલ્લેબંધી
મળતી માહિતી પ્રમાણે હજારો પોલીસ, અર્ધસૈનિક દળ અને સૈન્યના જવાનો રવિવારે મતદાન કેન્દ્રોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. શાંતિ જળવાઈ રહે તે હેતુથી બાંગ્લાદેશમાં નેવી અને વાયુસેનાના અધિકારીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.


