- પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ માલદીવના મંત્રીએ કરી હતી અપમાનજનક ટિપ્પણી
- દિગ્ગજોની સાથે યુદ્ધ ગ્રસ્ત મિત્ર દેશ ઇઝરાયલ પણ આવ્યું ભારતના સમર્થનમાં
- 9 જાન્યુઆરીથી લક્ષદ્વીપમાં ડિસેલિનેશન પ્રોજેક્ટ શરૂ કરવાની ઇઝરાયલની તૈયારી
લક્ષદ્વીપ પ્રવાસે ગયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકૃતિ સાથે વિતાવેલ સમયની કેટલીક તસવીરો શેર કરી હતી. ત્યારબાદ, લગભગ તમામ સોશિયલ મીડિયામાં તેને લઈને પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. લક્ષદ્વીપની કુદરતી સુંદરતાની તસવીરો જોઈને માલદીવના નેતાઓએ પીએમ મોદીને લઈને નિવેદનબાજી કરી દીધી અને આ મુદ્દો લક્ષદ્વીપ vs માલદીવ બની ગયો. બૉલીવુડ ફિલ્મ સ્ટાર્સ સહિત અનેક મોટી-મોટી હસ્તીઓ પણ લક્ષદ્વીપને લઈને પોસ્ટ કરી રહી છે.
ઇઝરાયલી દૂતાવાસે શેર કરી તસવીરો
તો આ વિવાદ વચ્ચે ભારતને તેના મિત્ર દેશ ઇઝરાયલનો સાથ મળ્યો છે. ભારત સ્થિત ઇઝરાયલી દૂતાવાસે લક્ષદ્વીપને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં ઇઝરાયલી દૂતાવાસે લખ્યું છે કે ગત વર્ષ ભારતના આગ્રહ પર ડિસેલિનેશન કાર્યક્રમ દરમિયાન અમે લક્ષદ્વીપમાં હતા. ઇઝરાયલ 9 જાન્યુઆરીથી આ કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર છે. સાથે જ તેમણે લખ્યું કે અમે લક્ષદ્વીપને લગતી કેટલીક તસવીરો શેર કરી રહ્યા છીએ. આ તે લોકો માટે છે જે લક્ષદ્વીપ સમૂહની પ્રાચીન અને પાણીની નીચે રહેલ સુંદરતાને નહીં જોઈ શક્યા.
અદાર પૂનાવાલાએ લક્ષદ્વીપને લઈને કર્યું ટ્વિટ
તો, ગઇકાલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ ટ્વિટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે આપણાં દેશમાં અકલ્પનીય ક્ષમતાઓ વાળા અનેક શાનદાર પર્યટન સ્થળ છે જેના અંગે હજુ સુધી સંપૂર્ણ રીતે જાણકારી નથી મેળવી શકાઈ. શું તમારામાંથી કોઈ મારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ તસવીરો પરથી ભારતના આ પર્યટન સ્વર્ગ અંગે અનુમાન લગાવી શકો છો?
શું હતો સમગ્ર મામલો
વાસ્તવમાં, 2 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે સ્નોર્કલિંગમાં હાથ અજમાવવાના પોતાના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીની આ પોસ્ટ પર લક્ષદ્વીપના મંત્રી મરિયમ શ્યૂમાએ અપમાનજનક ટિપ્પણી કરીને ભારતના વડાપ્રધાનની મજાક ઉડાવી હતી. તેમની પોસ્ટમાં PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી.


