- 15 જાન્યુઆરી મંતવ્યો પાઠવવાની છેલ્લી તારીખ
- રાજકીય પક્ષોને પણ પાઠવ્યા છે પત્ર અને સ્મૃતિપત્ર
- ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિની રચના થયા પછી બે બેઠકો મળી ચૂકી છે
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ‘એક રાષ્ટ્ર- એક ચૂંટણી’ સમિતિને જનતા તરફથી અત્યારસુધીમાં 5000થી વધુ ઇ-મેલ મળી ચૂક્યા છે. જનતાએ તે ઇ-મેલમાં પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા છે. આ ઉચ્ચ કક્ષાની સમિતિએ ગયા સપ્તાહે દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે વર્તમાન કાનૂની અને વહીવટી માળખામાં યોગ્ય ફેરફાર કરવા લોકો પાસેથી મંતવ્યો માંગ્યા છે. સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ સમિતિને અત્યારસુધીમાં 5000થી વધુ ઇ-મેલ પ્રાપ્ત થયા છે. આ સમિતિએ પોતાની જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી સુધીમાં પ્રાપ્ત થયેલા મંતવ્યો પર વિચાર કરવામાં આવશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિની રચના થયા પછી બે બેઠકો મળી ચૂકી છે. સમિતિએ તાજેતરમાં રાજકીય પક્ષોને પણ પત્ર લખીને દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના વિચારને મુદ્દે પરસ્પર સહમતીવાળી તારીખે તેમના વિચારો માંગ્યા હતા. સમિતિએ તે પછી રાજકીય પક્ષોને સ્મૃતિપત્રો પણ પાઠવ્યા હતા. સમિતિ દેશમાં એક સાથે ચૂંટણી યોજવાને મુદ્દે કાયદા પંચના વિચારો પણ સાંભળ્યાછે.


