- ઇઝરાયલે ગાઝાના રફા શહેરમાં કર્યા ઘાતક હુમલા
- રફા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 126 લોકોના મોત
- પેલેસ્ટિનિયન રાજદૂતે શુક્રવારે ફરી યુએનમાં મુદ્દો ઉઠાવ્યો
ગાઝામાં ઇઝરાયલી સેનાએ અત્યારસુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રફા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 126 લોકોના મોત થયા છે. આ હુમલાને લઈને અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તો, પેલેસ્ટિનિયન રાજદૂતે શુક્રવારે યુએનમાં આ મુદ્દો ફરીથી ઉઠાવવા માટે આરબ જૂથની બેઠક બોલાવી છે. સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ચૂકી છે. સતત થઈ રહેલા હુમલાઓ રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવની મુલાકાતે ગયેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ટૂંક સમયમાં યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે.
અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય. યુદ્ધના કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધથી લાખો લોકો ગંભીર રીતે રીતે પ્રભાવિત થયા છે. પરંતુ એ પણ મહત્વનું છે કે ઈઝરાયેલ એ સુનિશ્ચિત કરે કે તેના હિતોનું રક્ષણ થાય, જેથી 7 ઓક્ટોબર જેવો હુમલો કરતા કોઈ અનેકવાર વિચાર કરે. દેખીતી રીતે અમેરિકા બે મોઢાની વાત કરી રહ્યું છે. તે યુદ્ધને રોકવા પણ માંગે છે, પરંતુ ઇઝરાયેલને સમર્થન પણ કર્યું રહ્યું છે.
એક તરફ ગાઝા પટ્ટીમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, તો બીજી તરફ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા છે. તેઓ ક્યાંય સલામતી અનુભવી રહ્યા નથી. દરેક ક્ષણે મૃત્યુના પડછાયા હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે. ઈઝરાયેલના સતત હુમલાઓને કારણે ન તો ઘાયલોને સારવાર મળી રહી છે કે ન તો કોઈ માનવીય સહાય તેમના સુધી પહોંચી રહી છે. એટલું જ નહીં, ઇજિપ્તના અલ અરિશમાં, જર્મનીના વિદેશ પ્રધાન અન્નાલિના પણ માનવીય સહાય પૂરી પાડવા માટે રફાહ ક્રોસિંગને 24 કલાક માટે ખોલવાની અપીલ કરતાં જોવા મળ્યા હતા.
સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ચૂકી છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્રમાં સતત મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. પેલેસ્ટિનિયન યુએન એમ્બેસેડર રિયાદ મન્સૂરે ફરી એકવાર પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રના દરેક ઘટકનો દરવાજો ખટખટાવશે. જેથી યુદ્ધવિરામ થઈ શકે. શુક્રવારે આરબ જૂથ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવવામાં આવી છે, જેથી સુરક્ષા પરિષદમાં આ મુદ્દા પર ચર્ચા થઈ શકે. તેમણે બંને દેશો વચ્ચે કાયમી ઉકેલ માટે ટુ નેશન થિયરી વિશે પણ વાત કરી છે.


