- કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
- તાતા ઉપરાંત માઇક્રોનની સપ્લાય ચેઈન પાર્ટનર એવી કોરિયન કંપની સિમટેક સાણંદમાં 1,200 કરોડનું રોકાણ કરશે
- માઇક્રોનને IIT- ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા કેન્દ્રની વિનંતી
યુએસની સેમિકન્ડક્ટર- ચિપ બનાવતી મોટી કંપની માઇક્રોન ટેક્નોલોજીસ સાથે ગત જૂનમાં એમઓયુ થયા પછી 90 દિવસમાં યાને સપ્ટેમ્બરમાં આ કંપનીએ કુલ રૂ.22,500 કરોડના રોકાણથી સાણંદમાં ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન શરૂ કર્યા બાદ સાઉથ કોરિયન કંપની સિમટેકના ગ્લોબલ સીઇઓ જેફરી ચનએ સાણંદમાં જ માઇક્રોનના સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે આ ક્ષેત્રે મૂડીરોકાણ કરવાની જાહેરાત સાથે એમઓયુ કર્યો છે. તદુપરાંત તાતા સન્સના ચૅરમેન એન.ચંદ્રશેખરને ધોલેરામાં સેમિકન્ડક્ટર ક્ષેત્રની ફેબ-ફેક્ટરી સ્થાપવાનું જાહેર કર્યું છે, જે આ ક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે, એમ કેન્દ્રીય ઇલેક્ટ્રોેનિક્સ-આઇટી- રેલવે મંત્રાલયોના કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે ‘સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ’ વિષય ઉપર યોજાયેલા અધિવેશનમાં જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ડિસેમ્બર-2024માં પહેલી મેમરી ચિપ માઇક્રોનના પ્લાન્ટમાંથી નીકળશે, જેનાથી સેમિકન્ડક્ટર ક્ષેત્રની કંપનીઓ માટે ઇકોસિસ્ટમ ઊભી થશે, જેના પગલે બીજી કંપનીઓના પ્લાન્ટ માટે પાયો તૈયાર થશે, એમ ઉલ્લેખી જણાવ્યું હતું કે, સિમટેક કંપની રૂ.1,250 કરોડના ખર્ચે ફેક્ટરી સ્થાપશે, જે દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 1 હજાર જેટલી રોજી સર્જાશે. એમણે કહ્યું કે, આવતા 5-7 વર્ષમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે 10 લાખ જેટલા સ્કિલ્ડ માણસો જોઈશે. આ રોજગારીની જરૂરિયાત સંતોષવા માટે નામટેક ઇન્સ્ટિટયૂટ કે જેની સાથે એમઓયુ થયો છે. તેણે ટ્રેનિંગની જવાબદારી સંભાળી છે. ઉપરાંત દેશની 104 જેટલી યુનિવર્સિટીઓ આમાં સાંકળવામાં આવી છે જે સેમિકન્ડક્ટર ટેક્નોલોજી માટે અભ્યાસક્રમો શરૂ કરશે. કેન્દ્રીય મંત્રીએ સમારંભના ડાયસ ઉપરથી માઇક્રોન કંપનીને રજૂઆત કરી હતી કે તે આઇઆઇટી-ગાંધીનગરમાં સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપે, જેના માટે કેન્દ્ર સરકાર જરૂરી મદદ કરશે.
સેમિકન્ડક્ટર મેન્યુ., પ્રોસેસ એન્જિનિયરિંગના અભ્યાસ તાલીમ વર્ગો શરૂ થવા જોઈએ : માઇક્રોન
માઇક્રોન ટેક્નોલોજીના પ્રેસિડન્ટ-સીઈઓ સંજય મેહરોત્રાએ સેમિકન્ડક્ટર ક્ષેત્રની ટ્રેનિંગ માટે કાર્યરત ઇન્સ્ટિટયૂટ્સની મોટી નબળાઈ છતી કરતાં અધિવેશનમાં જણાવ્યું હતું કે, ભારત અત્યારે સેમિકન્ડક્ટર અંગે 100 જેટલી સંસ્થાઓએ ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હશે, પરંતુ એકેય સંસ્થા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ તથા પ્રોસેસ એન્જિનિયરિંગની તાલીમ આપવા ઉપર ફોક્સ કરતી નથી. ખાસ કરીને આમાં ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આ ક્ષેત્રે રોજગારની ખૂબ મોટી તકો રહેલી છે. માઇક્રોનના સર્વેસર્વા એવા આ પ્રમોટરે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- એઆઇના મધ્યમાં મેમરી ચિપ છે, જેટલી એઆઇની માગ વધશે, એટલી મેમરી ચિપની પણ માગ વધશે. મેકેન્ઝીના રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં ચિપનો કારોબાર 1 ટ્રિલિયન યુએસ ડૉલર ઉપર પહોંચશે. પોતાની કંપનીનો પરિચય આપીને તેમણે ફરી એકવાર દોહરાવ્યું હતું કે, સાણંદમાં એમના સ્થપાઈ રહેલા એસેમ્બ્લી યુનિટ દ્વારા 5 હજાર જેટલી પ્રત્યક્ષ અને 15 હજાર જેટલી પરોક્ષ રોજગારી સર્જાશે, અત્યારે સાણંદની ફેક્લ્ટી માટે 200 જેટલા માણસોની ભરતી થઈ છે, જેમને મોહાલી ખાતે સેમિકન્ડક્ટર લેબમાં તથા મલેશિયા ખાતે તાલીમ અપાઈ રહી છે. એમણે ઉમેર્યું હતું કે, તાતા પણ માઇક્રોન સાથે સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ધોલેરામાં ફેક્ટરી સ્થાપવાની છે, જે 2025 પહેલાં શરૂ થઈ જશે.
સિમટેક ઉપરાંત સીસકો-નામટેક સાથે અધિવેશનમાં MoU
અધિવેશનમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિમટેક વચ્ચે સાણંદમાં પ્લાન્ટ સ્થાપવા અંગે એમઓયુ થયા હતા. એવી જ રીતે સીસકો અને લોકલ કંપની નામટેક ઇન્સ્ટિટયૂટ વચ્ચે એઆઇ સાઇબર સિક્યોરિટી વગેરેની તાલીમ માટે અભ્યાસક્રમો ખોલવા એમઓયુ થયા હતા.
તાતાએ હજીરાની ફેક્ટરીમાં રોકાણની વિગતો હજી જાહેર કરી નથી : વૈષ્ણવ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ગુરુવારે બપોરે યોજાયેલી પત્રકાર પરિષદમાં તાતા દ્વારા ધોલેરા ખાતે સ્થપાનારા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં થનારા ઇન્વેસ્ટમેન્ટ અંગે એમને પૂછવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ફેક્ટરી સ્થાપના અંગે પ્રાથમિક જાહેરાત થઈ છે, રોકાણની વિગતો હજી જાહેર થઈ નથી. રાજ્યના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સચિવ મોના ખંધારે એવું પણ જાહેર કર્યું હતું કે, સિમટેક કંપનીને સાણંદમાં 30 એકર જમીન અપાઈ છે.
વિશ્વને સેમિકન્ડક્ટર-ચિપ સપ્લાય કરવા ગુજરાત સજ્જ થઈ રહ્યું છે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અધિવેશનમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વને રિલાયેબલ સેમિકન્ડક્ટર ચિપના સપ્લાયની જરૂર છે અને એ સપ્લાય પૂરો પાડવા ગુજરાત હવે સજ્જ થઈ રહ્યું છે. વર્ષ 2022માં સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોકાણો આકર્ષવા ગુજરાત સરકારે દેશમાં પહેલવહેલી નીતિ જાહેર કરી એ પછી આ ક્ષેત્રે ફ્યૂચર રેડી ઇન્ડિયા માટે ફ્યૂચર રેડી ગુજરાત એ રાજ્ય સરકારનું લક્ષ્ય છે, એમ પણ એમણે ઉમેર્યું હતું.


