- કમોસમી વરસાદની રાજ્યમાં હાલ કોઈ આગાહી નહી
- 2 દિવસ ઠંડીમાં આંશિક રાહત બાદ ફરી વધશે જોર
- કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં જોવા મળશે ઘટાડો
રાજ્યમાં છેલ્લા થોડાં દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં ઘણાં વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, રાજ્યમાં હાલ વરસાદની કોઇ શક્યતા દર્શાવાઇ રહી નથી. આ સાથે તાપમાન પણ સ્થિર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. તાપમાનની વાત કરીએ તો બેથી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહી થાય. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. બેથી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ફરીથી ઠંડીનો અનુભવ થશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં દાહોદ અને છોટાઉદેપુરના જિલ્લામાં તથા ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અમદાવાદમાં 16.4 સે, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને નલિયામાં સૌથી ઓછું 8.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
જ્યારે બીજી તરફ આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પવન સાથે ઠંડીનું જોર યથાવત રહી શકે છે. જેમાં કોઈ પણ વરસાદની આગાહી જોવા મળી રહી નથી.
જ્યારે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તા. 12ના ફરી હિમાલય વિસ્તારમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવા આગાહી છે. આમ, હવામાન સતત અપસેટ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધુ ઘટાડો થવાની આગાહી છે.


