- સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી
- 17મી લોકસભાનું સંસદનું છેલ્લુ સત્ર પણ હશે
- મોદી સરકાર બજેટમાં મોટી જાહેરાત કરી શકે
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકારની તૈયારીઓ તેજ થઈ રહી છે. મોદી સરકારનો વર્તમાન કાર્યકાળ હવે પૂરો થવા આવ્યો છે અને આગામી લોકસભા પહેલાં સંસદનું છેલ્લું સત્ર આગામી 31 જાન્યુઆરીના રોજ શરુ થવાનું છે. ત્યારે મોદી સરકારે આગામી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્રની જાહેરાત કરી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
વર્તમાન કાર્યકાળનું છેલ્લું બજેટ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વખતે બજેટ લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા રજુ થવાનું છે. આવી સ્થિતિમાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક મોટી જાહેરાતો પણ કરવામાં આવશે એવી અટકળો ચાલી રહી છે. આ વખતે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય બજેટ પણ 1લી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ વચગાળાનું બજેટ હશે. મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે.
મહિલાઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે અને આ સત્ર 17મી લોકસભાનું છેલ્લું સંસદ સત્ર પણ હશે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે.
શિયાળુ સત્રમાં હોબાળો
ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો. તે દરમિયાન, સંસદના બંને ગૃહો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા હતા. વિપક્ષ પણ શિયાળુ સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે કેન્દ્ર પાસેથી જવાબ માંગી રહ્યો હતો. વિપક્ષી દળોએ માંગ કરી હતી કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે ગૃહમાં નિવેદન આપે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે વિપક્ષ ગૃહમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળી રહ્યો છે.
140થી વધુ સાંસદોને સસ્પેન્ડ
શિયાળુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાંથી 140થી વધુ સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને ગૃહોના સાંસદોને શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં વિપક્ષી દળોએ સાંસદોના સસ્પેન્શનને લઈને હોબાળો મચાવ્યો હતો અને સંસદ ભવનથી માર્ચ પણ કાઢી હતી.


