- હૂતી વિદ્રોહીઓના હુમલાના કારણે રાતા સમુદ્રમાંથી અંદાજે બસો અબજ ડોલરનો વેપાર ડાઇવર્ટ થયો : મીડિયા રિપોર્ટ્સ
- અમેરિકા-બ્રિટનના હુમલા બાદ પિૃમ એશિયામાં તણાવ વધી શકે છે
- અમેરિકાની નૌસેનાએ ઘણી વાર હૂતી વિદ્રોહીઓના હુમલાને નિષ્ફળ કર્યો હતો
અમેરિકા અને બ્રિટને રાતા સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવી રહેલા હૂતી બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. હકીકતે બંને દેશની સેનાઓએ યમનમાં ઘણી જગ્યાએ હૂતી વિદ્રોહીઓનાં થાણાંઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ હવાઈ હુમલામાં હૂતી બળવાખોરોને મોટું નુકસાન થયું છે અને તેમના ઘણાં થાણાં નાશ પામ્યા છે. અમેરિકા-બ્રિટનના હુમલા બાદ પિૃમ એશિયામાં તણાવ વધી શકે છે.
હકીકતે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે ટેલિફોનિક વાતચીત કરીને દક્ષિણી રાતા સમુદ્ર અને એડનની ખાડીમાં હૂતી હુમલા અંગે સંયુક્ત રીતે ચિંતા વ્યક્તિ કરી હતી. બાદમાં વિદેશ વિભાગના એક પ્રવક્તા મેથ્યૂ મિલરે એક નિવેદનમાં કહ્યું કે, બ્લિંકને કહ્યું છે કે રાતો સમુદ્ર મુખ્ય વાણિજ્યિક ક્ષેત્ર છે, જ્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. આ ક્ષેત્રમાં નૌવહનની સ્વતંત્રતાની રક્ષા કરવામાં ભારત સાથે વધતા સહયોગનું સ્વાગત કર્યું હતું. એસ. જયશંકરે એક્સ પર પોસ્ટ કર્યું કે, અમારી વાતચીતમાં સમુદ્રી સુરક્ષા સામેના પડકારો, ખાસ કરીને, રાતા સમુદ્રમાં સુરક્ષાના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને દેશના નેતાઓની આ વાતચીતના બીજા દિવસે જ અમેરિકાએ હૂતી બળવાખોરો પર હવાઈ હુમલા કર્યા હતા.
વ્હાઇટ હાઉસે એક નિવેદન પ્રસિદ્ધ કરીન ઈરાન સમર્થિત વિદ્રોહીઓ પર હુમલાની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી હૂતી બળવાખોરો દ્વારા પેલેસ્ટાઇનના સમર્થનમાં રાતા સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજોને નિશાન બનાવાઈ રહ્યાં છે. તેનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટની સુરક્ષાને અસર થઈ રહી હતી. અમેરિકાની નૌસેનાએ ઘણી વાર હૂતી વિદ્રોહીઓના હુમલાને નિષ્ફળ કર્યો હતો. અમેરિકાએ ચેતવણી પણ આપી હતી કે જો હુમલા નહીં અટકે તો તેનાં મોટા દુષ્પરિણામ આવશે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટની સુરક્ષા માટે દેખરેખ પણ વધારી દીધી હતી. ભારતે પણ પોતાનાં પાંચ યુદ્ધજહાજોને અરબ સાગર અને રાતા સમુદ્રમાં તહેનાત કર્યાં છે, જેથી હૂતી બળવાખોરો અને સમુદ્રી લૂંટારુંઓના હુમલાને નિષ્ફળ કરી શકાય.
આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર વૈશ્વિક ચેઇન અવરોધાઈ
એવું મનાય છે કે હૂતી બળવાખોરોને ઈરાનનું સમર્થન છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદથી હૂતી વિદ્રોહીઓ રાતા સમુદ્ર અને અરબ સાગરના વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પરથી પસાર થતાં જહાજો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા હતા. તેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ અવરોધાઈ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૂતી વિદ્રોહીઓના હુમલાના કારણે છેલ્લા થોડા મહિનામાં રાતા સમુદ્રમાંથી અંદાજે બસો અબજ ડોલરનો વેપાર ડાઇવર્ટ થયો છે. તેનાથી દુનિયામાં માંેઘવારી વધવાની આશંકા ઊભી થઈ છે. જોકે, અમેરિકાના હવાઈ હુમલા બાદ પહેલાંથી જ ઈઝરાયેલ-હમાસ યુદ્ધના લીધે તણાવ સામે ઝઝૂમી રહેલા પિૃમ એશિયામાં હવે તણાવ ઓર વધવાની આશંકા ઊભી થઈ છે.
અમેરિકાએ નિવેદન પ્રસિદ્ધ કરી માહિતી આપી
વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, રાતા સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલા બાદ ગયા મહિને અમેરિકાએ વેપારી જહાજોને હૂતી વિદ્રોહીઓના હુમલાથી બચાવવા માટે 20થી વધારે દેશોની સાથે મળીને ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્જિયન શરૂ કર્યું હતું. ગયા અઠવાડિયે 13 સહયોગી દેશોની સાથે અમે હૂતી વિદ્રોહીઓને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તેમણે વેપારી જહાજો પરના હુમલા બંધ ન કર્યા તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. શુક્રવારના હૂતી વિદ્રોહીઓ સામે હવાઈ હુમલા સ્પષ્ટ સંદેશ છે કે અમેરિકા અને તેના સહયોગી દેશ દુનિયાના સૌથી મહત્ત્વના શિપિંગ કોમર્શિયલ રૂટ પર નેવિગેશનની આઝાદી સાથે બાંધછોડ નહીં કરે.


