- સુરતના મીલ માલિકે કારીગરને માર મારતા હોબાળો
- પોલીસે 6 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા
- મીલ કામદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
સુરતમાં એક મીલ માલિકની દાદાગીરી સામે આવી છે. સુરતના મીલ માલિકે તેની મીલમાં કામ કરતાં કારીગરને માર મારતાં હોબાળો મચી ગયો હતો. સુરતના પીપોદ્રા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આવેલી મીલના માલિકે કામદારને માર માર્યાની ઘટનાને પગલે કોમદારોએ હંગામો મચાવી દીધો હતો.
પોલીસે 6 ટીયર ગેસના સેલ છોડ્યા
સુરતમાં મીલ માલિક અને કામદાર વચ્ચે મારામારીની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ મામલો એટલો બધો વણસી ગયો હતો કે પોલીસ અને કામદારો વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. પીપોદ્રા વિસ્તારમાં આવેલી મોગલ ધામ ગલીમાં પોલીસના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે 6 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
એક દિવસ રજાની માંગ હતી
મીલમાં કામ કરતા કારીગરોએ મીલ માલિકને એક દિવસની રજા આપવાની માંગ કરી હતી. પરંતુ મીલ માલિકે કારીગરોને એક દિવસની રજા આપવાની ધરાર ના કહી દીધી હતી. જેને લઈને કામદારો ઉશ્કેરાઈ ગયા હતો અને મામલો બીચક્યો હતો. બંને વચ્ચે ઘર્ષણને પગલે હોબાલો થતાં સુરત જિલ્લાની પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મીલ કામદારોએ મચાવેલા હંગામાને લીધે કેટલાક કામદારો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસે મીલ માલિકની અટકાયત કરી
મીલમાં કામ કરતાં કામદારોએ મીલ માલિક વિરુદ્ધ પાલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેને લઈને પોલીસે મીલ માલિકની અટકાયત કરી હતી. મીલ માલિકે માર મારવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ હતી જેને પગલે પોલીસે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.


