- તુલસી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હોસ્ટ કરશે શૉ
- X (ટ્વિટર) ટૂંક સમયમાં ત્રણ નવા શૉ લાવી રહ્યું છે
- તુલસી તેમજ પૂર્વ એન્કર અને સ્પોર્ટ્સ કોમેન્ટેટર કરશે હોસ્ટ
અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે અબજોપતિ એલન મસ્ક સાથે કરાર કર્યા છે. આ કરાર હેઠળ તુલસી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X જે પહેલા ટ્વિટરના નામે ઓળખાતું હતું તેના પર એક શો હોસ્ટ કરશે. આ શો દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) ત્રણ નવા શૉ લઈને આવી રહ્યું છે જેને તુલસી ગાબાર્ડ, વિદેશી ન્યૂઝ ચેનલના પૂર્વ એન્કર ડોન લેમન અને સ્પોર્ટ્સ રેડિયો કોમેન્ટેટર દ્વારા હોસ્ટ કરવામાં આવશે. તુલસીનો નવો શો ડોક્યુમેન્ટરી સ્ટાઈલના વિડિયો અને કન્ટેન્ટની વિશાળ શ્રેણી રજૂ કરશે.
તુલસી કહે છે કે તે એવા લોકોની વાર્તાઓ શેર કરશે જેમનો અવાજને ચૂપ કરાવી દેવામાં આવ્યો હોય અને જેઓ સત્તામાં બેઠેલા લોકો તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે. તે દુઃખદ છે કે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં સત્તામાં રહેલા લોકોના ઈશારે સંવાદ, ચર્ચા અને મતભેદ થાય છે. આપણે તેનો ઉપયોગ અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે કરવો જોઈએ.
તેમણે કહ્યું કે Xની સાથે તેમની ભાગીદારી એ સુનિશ્ચિત કરશે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની માત્ર સુરક્ષા જ નહીં પરંતુ તેની ઉજવણી પણ કરવામાં આવે.
તેમણે કહ્યું કે અમે તમારા માટે એવી વાર્તાઓ અને સમાચાર લાવીશું, જે તમને દેશ અને દુનિયામાં શું થઈ રહ્યું છે તે અંગે જાણકારી આપશે પરંતુ સત્તામાં રહેલા લોકો નથી ઈચ્છતા કે તમે તેને સાંભળો. આ સાથે, અમે શોર્ટ ફિલ્મો સીરિઝ પણ લાવીશું, જે હાંસિયા પર બેઠેલા લોકો વિશે વાત કરે છે પરંતુ તેમના અવાજને ચૂપ કરાવી દેવામાં આવે છે.
એક વિદેશી મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વધુને વધુ લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. સાથે જ, મસ્ક પોતાની પોસ્ટ પર વિવાદોથી ધ્યાન હટાવવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્કના ટેક ઓવર બાદથી કંપની વિડીયો અને લોંગ-ફોર્મેટ વાળા કન્ટેન્ટમાં વધુને વધુ ધ્યાન આપવાના પ્રયાસો કરી રહી છે.


