- ગાઝામાં યુદ્ધ વચ્ચે એક ખાનગી સર્વેએ નેતન્યાહૂ માટે ટેન્શન ઊભું કર્યું
- ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂની સરકાર પર ખતરાના વાદળો ઘેરાઇ રહ્યા
- નેતન્યાહૂની આગેવાની હેઠળનું ગઠબંધન ઘટીને 56 બેઠક પર આવી શકે છે
હમાસ સામે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂની સરકાર પર ખતરાના વાદળો ઘેરાઇ રહ્યા છે. તાજેતરમાં જ સામે આવેલા એક સર્વેમાં સંકેત મળે છે કે ચૂંટણીમાં નેતન્યાહૂ સત્તા ગુમાવી શકે તેમ છે. બીજી તરફ વોર કેબિનેટ મંત્રી બેની ગેટ્ઝને ઈઝરાયેલના આગામી વડાપ્રધાન તરીકે જોવામાં આવે છે. એક ખાનગી ચેનલમાં સર્વેમાં જાણકારી મળી છે કે નેતન્યાહૂની આગેવાની હેઠળનું ગઠબંધન ઘટીને 56 બેઠક પર આવી શકે છે. જ્યારે સંભાવના દર્શાવવામાં આવે છે કે વિપક્ષ 64 બેઠકનો આંકડો સ્પર્શી શકે છે. એટલું જ નહીં ખુદ નેતન્યાહૂની લિકુડ પાર્ટી પણ 32 બેઠક પરથી ગગડીને 26 બેઠક પર આવી શકે છે. બીજી તરફ સંકેત મળે છે કે ગેટ્ઝની બ્યૂ એન્ડ વ્હાઇટ પાર્ટી 29 બેઠક હાંસલ કરી શકે છે. નોંધનીય છે કે હાલમાં ઈઝરાયેલમાં નેતન્યાહૂની આગેવાની હેઠળની સરકાર સત્તારૂઢ છે. જો ગઢબંધન તૂટશે નહીં તો 2026 સુધી દેશમાં સામાન્ય ચૂંટણી યોજાવાની સંભાવના નથી.
નેતન્યાહૂ હમાસનો ખાતમો ઇચ્છે છે
નેતન્યાહૂએ ગાઝામાં ચાલી રહેલાં યુદ્ધના 100 દિવસ પૂર્ણ થવાની વચ્ચે જણાવ્યું હતું કે ઈઝરાયેલ હમાસ સામે વિજય ના મળે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવા માંગે છે અને આંતરરાષ્ટ્રીય કોર્ટ સહિત કોઇ તેને રોકી શકે નહીં. સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલતે દક્ષિણ આફ્રિકાના એ આરોપોને લઇને બે દિવસની સુનાવણી કરી હતી કે ઈઝરાયેલ પેલેસ્ટાઇનમાં નરસંહાર કરી રહ્યું છે. ઈઝરાયેલે આ આરોપોને નકારી કાઢયા હતાં. ઈઝરાયેલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી બાદ આ નિવેદન આપ્યું છે. ઈઝરાયેલ પર આ યુદ્ધને સમાપ્ત કરવાનું દબાણ વધી રહ્યું છે પણ તે હમાસનો સફાયો કરવા કૃતનિૃયી છે.


