- ઇઝરાયેલ ટુ-સ્ટેટ સોલ્યુશન પર ફોકસ કરે અને ગાઝા
- વેસ્ટ બેન્કમાંથી સંપૂર્ણ હટી જાય તેવી શરત મૂકી શકે
- ગાઝા પરના આ હુમલામાં અત્યાર સુધીમાં 25 હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં ઇઝરાયેલી સેના સતત ગાઝા પટ્ટી પર હુમલા કરી રહ્યું છે. ગાઝા પરના આ હુમલામાં અત્યાર સુધીમાં 25 હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ યુદ્ધ એવા સમયે શરૂ થયું હતું જ્યારે સાઉદી અરબ અને યહૂદી દેશ વચ્ચેના સંબંધો ઝડપથી સામાન્ય થઈ રહ્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 25 હજાર પેલેસ્ટિનિયનનાં મૃત્યુ થયાં હોવા છતાં સાઉદી અરબ પોતાના ઇરાદામાં મક્કમ છે. આગામી સમયમાં તે ઇઝરાયેલને માન્યતા આપી શકે છે. જોકે, રિપોર્ટમાં કહેવાયું છે કે આવો નિર્ણય તરત નહીં લેવાય, કેમ કે,
ઇસ્લામિક દુનિયામાં ટીકાનો ભોગ બનવું પડશે. આ નિર્ણય યુદ્ધ બંધ થયાના થોડા સમય બાદ સ્થિતિ સુધર્યા પછી લેવાય તેવી શક્યતા છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને તાજેતરમાં મધ્યપૂર્વનો પ્રવાસ કર્યો ત્યારે સાઉદી અરબ અને ઇઝરાયેલ ગયા હતા. તેમણે આ મુલાકાત બાદ કહેલું કે ક્ષેત્રમાંના બધા લોકો સામાન્ય સ્થિતિ ઇચ્છે છે. તેના માટે પ્રયાસ કરવા તૈયાર પણ છે. તેમણે કહેલું કે સાઉદી અરબે પણ એવા જ સંકેત આપ્યા છે.
સાઉદી અરબ સમજૂતી માટે કિંમત માગશે
મંગળવારે સાઉદી અરબના રાજદૂતે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હકીકતે અમને સ્થિતિ સામાન્ય થઈ જાય એમાં રસ છે. જોકે જાણકારોનું કહેવું છે કે સાઉદી અરબ ઇઝરાયેલ અને અમેરિકા કરતાં વધારે કિંમત માગશે. તે સમજૂતીના બદલામાં માગણી મૂકી શકે છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનની બાબતમાં ટુ-સ્ટેટ મોડલ માટે તૈયાર થાય. સાઉદી લેખક અને વિશ્લેષક અલી શિહાબીએ કહ્યું કે, સાઉદી અરબ હજુ પણ એ વાત માટે તૈયાર છે કે ઇઝરાયેલ જો ટુ-સ્ટેટ સોલ્યુશન પર ફોકસ કરે તો અમે સંબંધોને સામાન્ય કરી દઈએ. તેઓ કહે છે, ઇઝરાયેલ ગાઝા અને વેસ્ટ બેન્કમાંથી સંપૂર્ણ હટી જાય અને અહીંની કમાન સંપૂર્ણપણે પેલેસ્ટાઇન ઓથોરિટીના હાથમાં રહે. તદઉપરાંત ગાઝાની નાકાબંધી સમાપ્ત કરવામાં આવે.
ઈરાને ઇરાકમાં ઘૂસીને મોસાદના વડામથક પર બેલેસ્ટિક મિસાઇલ છોડી; ચારનાં મૃત્યુ
તહેરાન । ઈરાને ઇરાકી સરહદમાં ઘૂસીને ઇઝરાયેલના જાસૂસી મુખ્યાલય પર મિસાઇલોનો મારો કર્યો હતો. જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્ઝે આ હુમલાની માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, ગાર્ડ્ઝે સીરિયામાં પણ ઇસ્લામિક સ્ટેટ સામે હુમલો કર્યો છે. તાજેતરમાં ઈરાનમાં બોમ્બ ધડાકા થયા હતા, જેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલા માટે ઈરાને ઇઝરાયેલ પર આરોપ કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં મોસાદના મુખ્યાલય પર હુમલો કર્યો હતો.
ઈરાનના ગાર્ડ્ઝે કહ્યું કે તેમણે ઇરાકના ઉત્તરી શહેર એરિબલની નજીક આવેલી ઇઝરાયેલની મોસાદ એજન્સી પર બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. આતંકવાદી સમૂહ
આઇએસની સભાઓનો નાશ કરવા માટે પણ બેલેસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરાયો હતો. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે એરિબલથી લગભગ 40 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં અમેરિકન દૂતાવાસની સાથે સાથે નાગરિક વસાહતો સુધી વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. અમેરિકન અધિકારીઓએ એવું કહ્યું હતું કે, મિસાઇલ હુમલામાં એક પણ અમેરિકન સુવિધાને અસર થઈ નથી. જોકે, ઇઝરાયેલી અધિકારીઓ દ્વારા હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરવામાં નથી આવી. હુમલાના કારણે ચાર લોકોનાં મૃત્યુના અહેવાલ છે.


