- રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં શંકરાચાર્યોની ન જવાની જાહેરાત
- કોઈપણ ભગવાન શ્રી રામથી મોટું નથી: સીએમ યોગી
- “અમારી વિનંતી છે, અત્યારે ન આવી શકો તો બાદમાં આવો”
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે 16 જાન્યુઆરીને મંગળવારથી પૂજા વિધિ સહિત અનુષ્ઠાનો શરૂ થઈ ગયા છે. આ કાર્યક્રમમાં સેંકડો હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યા તેમના સ્વાગત માટે તૈયાર છે. દરમિયાન, શંકરાચાર્યના નિવેદનોએ પ્રાણ પ્રતિષ્ઠાના સમયને લઈને સવાલો ઉભા કર્યા છે. તેમનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવી યોગ્ય નથી કારણ કે મંદિરનું નિર્માણ હજુ પૂર્ણ થયું નથી.
શંકરાચાર્યોના વાંધાને લઈને હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ પ્રભુ રામથી મોટું નથી
સીએમ યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તીર્થ ક્ષેત્ર દ્વારા તમામ ધર્મચાર્યોને આમંત્રણ મોકલ્યું છે. મને લાગે છે કે આ અવસર શ્રેય લેવાનો નથી, માન-અપમાનનો નથી. પછી તે હું હોઉ, કોઈ સામાન્ય નાગરિક હોય કે પછી દેશનો કોઈ મોટો ધર્માચાર્ય હોય… કોઈ ભગવાન શ્રી રામ કરતાં મોટું નથી. આપણે બધા જ શ્રી રામના આશ્રિત છીએ. રામ આપણાં પર આશ્રિત નથી.
વ્યવસ્થા રામ વગર ન ચાલી શકે
યુપી સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે આપણાં બધાની વ્યવસ્થા રામ વગર ન ચાલી શકે, પરંતુ રામ ત્યારે પણ હતા જ્યારે આ પરંપરાઓ નહોતી. દરેકને બોલવાનો અધિકારી છે. અમે તમામને વિનંતી કરીએ છીએ કે જે અત્યારે નથી આવી શકતા તેઓ બાદમાં આવે, સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો.
જણાવી દઈએ કે, કર્ણાટકની શ્રી શૃંગેરી શારદા પીઠ, ગુજરાતની દ્વારકા શારદા પીઠ, ઉત્તરાખંડની જ્યોતિર્પીઠ અને ઓડિશાની ગોવર્ધન પીઠના શંકરાચાર્યોએ કહ્યું છે કે તેઓ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે નહીં. આ અંગે વિપક્ષો ભાજપને ઘેરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંદિરના ઉદ્ઘાટનની ઉતાવળ કરવામાં આવી રહી છે.
વિશ્વ હિન્દુ પરિષદનો દાવો
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ દાવો કર્યો છે કે શ્રી શૃંગેરી શારદા પીઠ અને દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું સ્વાગત કર્યું છે. બંને પીઠના શંકરાચાર્યોએ કહ્યું છે કે તેઓ ખુશ છે અને તેમને આ અંગે કોઈ વાંધો નથી.


