- જેનીસસ ગેમ્સ નામની એપથી જુગાર રમાડાતો
- જે મોબાઇલ એપમાં લાઇવ થતું તેમાં લોગઇન કરીને અનેક લોકો એકસાથે જુગાર રમતા
- ગુજરાતમાં પ્રથમવાર સાઇબર ક્રાઇમ દ્વારા લાઇવ જુગારનો કેસ નોંધવામાં આવ્યો છે
ગુજરાતમાં પ્રથમવાર સાઇબર ક્રાઇમ દ્વારા લાઇવ જુગારનો કેસ નોંધવામાં આવ્યો છે. જુગારના અડ્ડાના સંચાલકોએ પોલીસના દરોડાની કાર્યવાહીથી બચવા માટે જુગાર અડ્ડાના સંચાલકે એક મોબાઇલ એપ્લિકેશન બનાવી હતી, જેમાં તે અડ્ડા પરથી તેના માણસોની મદદથી ગંજીપાનાનો જુગાર રમાડતો હતો અને જુગારીઓ મોબાઇલમાં લોગઇન કરીને નાણાં લગાવતા હતા. જેના આધારે હારજીતનો નિર્ણય કરવામાં આવતો હતો. પોલીસે આઠ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે GENESIS GAME નામની એપ્લિકેશન દ્વારા 24 કલાકમાં 200 કરતાં વધુ લોકો જુગાર રમવા જોડાયા હોવાનું સામે આવ્યું છે.
માધુપુરામાં જ્યુપીટર મિલની ચાલીમાં મોબાઇલ એપ્લિકેશનથી લાઇવ જુગાર રમાડવામાં આવી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી. તેના આધારે પોલીસે જ્યુપીટર મિલની ચાલીમાં મકાન નં-49મનાં દરોડો પાડતા એક મોબાઇલને સ્ટેન્ડ પર રાખીને તેનો કેમેરા મોબાઇલ એપ્લિકેશનમાં ઓન રાખીને તેની સામે કેટલાક લોકો પત્તાથી રમતા હતા. જે એપમાં લાઇવ થતું હતું અને તેની મદદથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી લોગઇન કરીને અનેક લોકો એક સાથે જુગાર રમી રહ્યા હતા. જે બાદ પોલીસે સ્થળ પરથી ઉસ્માનગની મિયાણા, સમસુદ્દીન લધાની, ઇમામુદ્દીન લધાણી, પ્રવિણ ચૌહાણ, મોઇન શેખ, સમીર અહેમદ અંસારી, વિપુલ ચૌહાણ અને રવિ ચૌહાણને ઝડપી લીધા હતા. પોલીસે 12 મોબાઇલ, 1 મોબાઇલ સ્ટેન્ડ, 52 નંગ ગંજીપા, જમીન ઉપર પાથરવાનો રેજીનનો ટુકડો મળી કુલ રૂ. 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેનીસસ ગેમ્સ નામની એપ્લિકેશનમાં લોગઇન કર્યા બાદ જુગારીને એડવાન્સમાં બેલેન્સ કરવાનું રહેતું હતું. જેમાં તે 10 હજારની સુધી રકમ જીતે તો ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવતી હતી. જ્યારે 10 હજારની ઉપરની રકમ ઉસ્માનગની તેના માણસ મારફતે મોકલતો હતો. આ ગેમ પોલીસના દરોડાથી બચવા માટે રમાડવામાં આવતી હતી અને ઉસ્માનગીએ આ માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાવી હતી.
સુરતના ડેવલપર પાસેથી બે એપ્લિકેશન બનાવડાવી હતી
આરોપીઓએ જુગાર ઓનલાઇન રમાડવા માટે સુરતના એક એપ્લિકેશન ડેવલપર પાસેથી બે જુદી-જુદી એપ્લિકેશનો બનાવડાવી હતી. જેનાથી શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ઓનલાઇન જુગાર રમાડવામાં આવતો હતો
એપ બનાવનાર અને તેનું મેન્ટેનન્સ કરનાર બંને ફરાર
એપ્લિકેશન બનાવનાર અને તેનું મેન્ટેનન્સ કરનાર બે આરોપી ફરાર છે. આરોપીએ એપ્લિકેશન બનાવવા માટે ફરાર આરોપીને અઢી લાખ તથા એપ્લિકેશનના મેન્ટેનન્સ માટે દર મહિને 50 હજાર રૂપિયા ચૂકવતા.


