- એલન મસ્કે ભારતની સાથે સાથે આફ્રિકાના પણ સંયુક્ત સભ્યપદની ભલામણ કરી
- કેટલાંક મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર એકમોમાં સંશોધનની જરૂરીયાત: એલન મસ્ક
- હાલ UNની સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને રશિયાનો સમાવેશ
દુનિયાના સૌથી અમીર શખ્સ અને ટેસ્લા તેમજ સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક એલન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદની વકાલત કરી છે. તેમણે કહ્યું છે કે કેટલાંક મુદ્દાઓ પર વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં ફેરફાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે ભારતને કાયમી સભ્યપદ મેળવવું જોઈએ. આમ ન કરવું અત્યંત ખરાબ છે.
મસ્કે કરી UN એકમોમાં સંશોધનની ભલામણ
એલન મસ્કે ટ્વીટ કરીને લખ્યું કે કેટલાંક મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર એકમોમાં સંશોધનની જરૂરીયાત છે. તેમણે લખ્યું કે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં સુરક્ષા પરિષદમાં ભારત માટે સ્થાયી બેઠક ન હોવું ખૂબ જ ખરાબ છે. તેમણે લખ્યું કે આફ્રિકા માટે સામૂહિક રીતે એક બેઠક હોવી જોઈએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે માત્ર પાંચ દેશોનો સમાવેશ થાય છે.
શું છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના 6 મુખ્ય અંગો પૈકીનું એક છે. તેની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા, સંયુક્ત રાષ્ટ્રના નવા સભ્યોને જનરલ એસેમ્બલીમાં પ્રવેશની ભલામણ કરવા અને સંયુક્ત રાષ્ટ્રમાં કોઈપણ ફેરફારોને મંજૂરી આપવા માટે જવાબદાર છે.
સુરક્ષા પરિષદની સંરચનાની વાત કરીએ તો તેમાં પાંચ સ્થાયી સભ્યો છે. અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને રશિયા. આ સામૂહિક રીતે P5 તરીકે ઓળખાય છે. તેમાંથી કોઈપણ પ્રસ્તાવ પર વિટો પાવરનો ઉપયોગ કરી શકે છે. કાઉન્સિલના 10 ચૂંટાયેલા સભ્યો પણ છે જેમનો કાર્યકાળ માત્ર 2 વર્ષનો હોય છે. ચૂંટાયેલા સભ્યોને વીટો પાવર આપવામાં આવતો નથી.
સુરક્ષા પરિષદમાં સ્થાયી બેઠક માટે ભારત કેમ પ્રબળ દાવેદાર?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનવા ઈચ્છતા તમામ દેશોમાં ભારત પ્રબળ દાવેદાર છે અને સૌથી વધુ અવાજ ઉઠાવે છે. ભારત આજે એક મુખ્ય વૈશ્વિક તાકાત બની ગયો છે. ભારતનો સ્થાયી સભ્યપદનો દાવો એ તથ્યો પર આધારિત છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક સભ્યોમાંનો એક છે, સૌથી મોટી લોકશાહી, બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને પાંચમો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.


