- કોરોના રસીકરણનો વિરોધ કરતાં કાફલાને રોકવા લગાવાઈ હતી કટોકટી
- કટોકટી અધિનિયમ લાગુ કરી શકાય તેવી દેશમાં કોઈ સ્થિતિ નહોતી: કોર્ટ
- ઓટાવાની ફેડરલ કોર્ટના ચુકાદાને કેનેડીયન સરકાર પડકારશે
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ફેબ્રુઆરી 2022માં કોવિડ-19 રસીકરણનો વિરોધ કરી રહેલા ફ્રીડમ કાફલાને રોકવા માટે કટોકટી લગાવી દીધી હતી. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે ઓટાવાની ફેડરલ કોર્ટે સરકારને કાયદાના કઠેડામાં લઈ લીધી છે.
મંગળવારે આપવામાં આવેલા ચુકાદામાં જસ્ટિસ રિચર્ડ જી. મોસ્લેએ કહ્યું છે કે ઈમરજન્સી લાદવાનો સરકારનો નિર્ણય યોગ્ય નથી. સરકાર દ્વારા તેની તરફેણમાં આપવામાં આવેલી દલીલો યોગ્ય નથી. સરકારે આ બાબતે વિચારવું જોઈતું હતું.
કેનેડામાં ફેબ્રુઆરી 2022માં લગવાઈ હતી ઈમરજન્સી
કોર્ટે કહ્યું કે 14 ફેબ્રુઆરી, 2022ના રોજ સ્વતંત્રતા કાફલાની ચળવળ તેના 18માં દિવસે પ્રવેશી કે તરત જ સરકારે ઈમરજન્સી એક્ટ 1988 હેઠળ ઈમરજન્સી લગાવી દીધી હતી. આ દરમિયાન સરકારે ઓટાવામાં વિરોધ કરી રહેલા લોકોને દૂર કરવા માટે અસાધારણ શક્તિઓનો ઉપયોગ કર્યો હતો. આ સ્થળે દેખાવકારોએ ત્રણ અઠવાડિયા સુધી પડાવ નાખ્યો હતો. કોર્ટે કહ્યું કે આ કાયદો પસાર થયો ત્યારથી કેનેડામાં ક્યારેય તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
જસ્ટિસ રિચર્ડ જી. મોસ્લેએ તેમના નિર્ણયમાં લખ્યું – ‘હું એમ તારણ કાઢું છું કે ઈમરજન્સી એક્ટ લાદવામાં આવે તેવી દેશમાં કોઈ રાષ્ટ્રીય કટોકટી નહોતી. સરકાર માટે આવું કરવાનું નક્કી કરવું અયોગ્ય હતું.’
ટ્રુડો સરકાર આ નિર્ણય સામે કોર્ટમાં જશે
આ નિર્ણય પર નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેનેડિયન મીડિયા સમક્ષ કહ્યું, ‘અમે માનીએ છીએ કે અમે તે સમયે જરૂરી અને કેટલાક કાયદાકીય કારણોસર આવું કર્યું હતું.’ સરકાર આ નિર્ણય સામે અપીલ કરશે.
જણાવી દઈએ કે, કટોકટી લગાવવાના નિર્ણયને કેટલાક નાગરિક સ્વતંત્રતા જૂથો, કેનેડિયન સિવિલ લિબર્ટીઝ એસોસિએશન (CCLA) અને કેનેડિયન કોન્સ્ટિટ્યુશન ફાઉન્ડેશને કોર્ટમાં પડકાર્યો હતો. વિરોધમાં બે સહભાગીઓ પણ અપીલ કરવામાં સામેલ હતા. એક રિપોર્ટ અનુસાર આ પ્રદર્શનકારીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.


