- રૂઢિચુસ્ત ઈસ્લામિક કાયદાઓ માટે જાણીતું છે સાઉદી અરેબિયા
- રાજધાની રિયાધમાં પહેલો આલ્કોહોલ સ્ટોર ખોલવાની તૈયારી
- મોબાઈલ એપ દ્વારા નોંધણી અને ક્લિયરન્સ કોડ મેળવવો જરૂરી
સાઉદી અરેબિયા દેશની રાજધાની રિયાધમાં પહેલો આલ્કોહોલ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. આ સ્ટોર વિશિષ્ટ રીતે બિન-મુસ્લિમ રાજદ્વારીઓને સેવા આપશે. આ યોજનાથી પરિચિત એક સૂત્રએ બુધવારે આ માહિતી આપી હતી. આ સિવાય આ અંગે એક ડોક્યુમેન્ટ પણ સામે આવ્યો છે.
સ્થાનિક મીડિયાના દાવા મુજબ આ ડોક્યુમેન્ટ જણાવે છે કે દારૂ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા નોંધણી કરાવવી પડશે અને વિદેશ મંત્રાલય પાસેથી ક્લિયરન્સ કોડ મેળવવો પડશે. જો કે, ગ્રાહકો મર્યાદિત માત્રામાં દારૂ ખરીદી શકશે.
માસિક ક્વોટાનું પાલન કરવાનું રહેશે
ડોક્યુમેન્ટ અનુસાર, ગ્રાહકો માસિક ક્વોટા મુજબ જ દારૂ ખરીદી શકશે. સાઉદી સરકારે આ પગલું વિઝન 2030 નામની વ્યાપક યોજના હેઠળ લીધું છે. ઉલ્લેખનીય છે કે તેલ સંસાધનોના ઘટાડા બાદ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે સરકારે વિઝન 2030 યોજના બનાવી છે.
ડિપ્લોમેટિક ક્વાર્ટરમાં ખોલવામાં આવશે સ્ટોર
ડોક્યુમેન્ટમાં જણાવાયું છે કે નવો સ્ટોર રિયાધના ડિપ્લોમેટિક ક્વાર્ટરમાં ખોલવામાં આવશે, જ્યાં દૂતાવાસ અને રાજદ્વારીઓ નજીકમાં રહે છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે અન્ય બિન-મુસ્લિમ સ્થળાંતર કરનારાઓ અહીં આવી શકે છે કે નહીં. જણાવી દઈએ કે સાઉદી અરેબિયામાં લાખો વિદેશીઓ રહે છે. આમાંના મોટાભાગના એશિયા અને ઇજિપ્તના મુસ્લિમ કામદારો છે. સૂત્રના જણાવ્યા મઉજબ, આગામી સપ્તાહમાં સ્ટોર ખોલવાની અપેક્ષા છે.
દારૂના સેવન પર કડક સજા
દારૂની દુકાન ખોલવાના નિર્ણયને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા લેવામાં આવેલા સુધારાના પગલાં સાથે જોડવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે આ નિર્ણયથી સાઉદી અરેબિયા એક રૂઢિચુસ્ત મુસ્લિમ દેશનું લેબલ હટાવવા માંગે છે. સાઉદી અરેબિયામાં દારૂ પીવા સામે કડક કાયદા છે. અહીં દારૂ પીનારને કોરડા મારવાની સજા આપવામાં આવે છે. જો કે, હવે તેને જેલની સજા સાથે બદલવામાં આવી છે.


