- બાવન કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાનું આયોજન, ડિઝાઈન તૈયાર કરાઈ
- 135 કરોડના ખર્ચે કેબલ સ્ટેઈડ બ્રીજની કામગીરી ચાલી રહી છે
- અંડરપાસનો સેન્ટરનો ભાગ ખુલ્લો જ રખાશે, બંને બાજુ ફોરલેન સર્વિસ રોડ હશે
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે એપોલો સર્કલ પર કેબલ સ્ટેડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે ઓવરબ્રીજ સાથે જ અંડરપાસ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 52 કરોડના ખર્ચે તૈયાર થનારા અંડરપાસ પાસની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં અંડરપાસનો સેન્ટરનો ભાગ પણ ખુલ્લો જ રહેશે. અંડરપાસ બન્યા બાદ એપોલો સર્કલ જંક્શન પર થ્રી લેયર ટ્રાફીક મુવમેન્ટ થઈ શકશે.
એપોલો સર્કલ ખાતે અંદાજે 135 કરોડના ખર્ચે કેબલ સ્ટેઈડ બ્રીજની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે વધેલા વાહનોને પગલે એપોલો સર્કલ પર ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે. ગાંધીનગરથી ઈન્દિરાબ્રીજ જવાના રોડ પર એસ.પી. રિંગરોડને કારણે એપોલો ચાર રસ્તાએ ભારે ટ્રાફિક રહે છે. જેને પગલે હવે અહીં થ્રિ લેયર ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને કેબલ સ્ટેઈડ બ્રીજની નીચે 1.1 કિલોમીટરનો અંડર પાસ બનાવવામાં આવશે. અંડરપાસ આખો ખુલ્લો રહેશે, જેથી નીચેથી ઉપર કેબલ સ્ટેઈડ બ્રીજનું વિઝન મળશે. અંડરપાસની બંને બાજુ ફોરલેન સર્વિસ રોડ પણ બનાવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે અહીં આગામી દિવસે વૈષ્ણોદેવી સર્કલની જેમ ટ્રાફિકની અવરજવર વધુ સરળ બનશે. જેમાં કોબાથી એરપોર્ટ જવા માટે ઓવરબ્રીજ, રીંગરોડ પરના ભારે વાહનોની અવરજવર માટે અંડરપાસ જ્યારે શહેરી વિસ્તારના ટ્રાફિક માટે અલગ રસ્તો હશે. અંડરપાસની કામગીરી કેબલ બ્રીજની કામગીરી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. જેને અંદાજે 6 મહિના જેટલો સમય લાગે તેમ છે. જોકે અંડરપાસની ડિઝાઈન તૈયાર કરી દેવાઈ છે, વિભાગ કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ આગામી દિવસો ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લખેનિય છે કે ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે અંદાજે 135 કરોડના ખર્ચે ગાંધીનગરનો પ્રથમ કેબલ સ્ટેડ ઓવરબ્રીજ અહીં બની રહ્યો છે. ઓવરબ્રીજની લંબાઈ 1481 મીટર એટલે દોઢેક કિલોમીટર જેટલી છે. પહોળાઈ 27 મીટર તેમજ બંને સાઈડ દોઢ મીટરની ફૂટપાથ અને ક્રેશ બેરીયર બનાવવામાં આવશે.


