- દીકરીઓના હાથમાં પ્રતિનિધિત્વ જશે તો વિકાસ થશે જ : શંકર ચૌધરી
- બાલિકા દિવસ-મોક તેજસ્વિની વિધાનસભાનું CM પટેલે ઉદ્ઘાટન કર્યું
- કચ્છના ટ્રક ડ્રાઈવરની દીકરી એક દિવસની CM
રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે બુધવારે મોક ‘તેજસ્વિની વિધાનસભા’ યોજવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી તેજસ્વિની વિધાનસભાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. સમગ્ર દેશમાં વિદ્યાર્થિનીઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરવામાં આવ્યું હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને કોઈ રોકી નહિ શકે.
કચ્છના ટ્રક ડ્રાઈવરની દીકરી એક દિવસની CM
ભુજઃ રાજ્યની તેજસ્વિની વિધાનસભાનું એક દિવસનું સંચાલન બાળાઓને સોંપવામાં આવ્યું હતું, જેમાં કચ્છનાં નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામની બાલિકા પંચાયતની સરપંચ મુક્તા નાથબાવા મુખ્યમંત્રીની ખુરશીમાં બિરાજમાન થઈને રાજ્યની પ્રત્યેક દીકરીઓને આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો. ટ્રક ડ્રાઈવર જગન્નાથ નાથબાવાની દીકરી મુક્તા એક દિવસની મુખ્યમંત્રી બનતાં પૂર્વે રાજ્યમાં સૌપ્રથમ બાલિકા પંચાયતની સરપંચ તરીકે ચૂંટાઈ હતી.


