- ભારતીય ટીમ 60 વર્ષના ગાળા બાદ પાકિસ્તાનમાં ટેનિસ રમશે
- હોટેલ અને સ્ટેડિયમમાં બોમ્બ સ્ક્વોડ હાજર રહેશે
- પાકિસ્તાને પોતાની તાકાતના અનુરૂપ રમવા માટે ગ્રાસ કોર્ટની પસંદગી કરી
ડેવિસ કપ મુકાબલા માટે લગભગ 60 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ભારતીય ટેનિસ ટીમને તેમના રોકાણ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ જેવી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ખેલાડીઓ પોતે સુરક્ષિત છે તેવો અહેસાસ કરાવવા માટે લાગુ કરવામાં આવેલી સુરક્ષા યોજનાના એક ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ પ્રત્યેક સવારે ઇસ્લામાબાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તપાસ કરશે અને પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ સાથે સતત બે એસ્કોટ વાહન રહેશે.પાકિસ્તાન ટેનિસ ફેડરેશન સુરક્ષાના મુદ્દે કોઈ સમાધાન કરવા માગતું નથી. ભારતીય ખેલાડીઓ મોટા ભાગે આયોજન સ્થળ તથા હોટેલ સુધી જ સીમિત રહેશે. ખેલાડીઓ માટે આ સ્થિતિ થોડીક માનસિક પરેશાની કરે તેવી છે. પીટીએફના સેક્રેટરી કર્નલ ગુલ રહેમાને જણાવ્યું હતું કે ભારતીય ટીમ 60 વર્ષ બાદ પાકિસ્તાન આવી છે જેના કારણે અમે વધારે સાવચેતી રાખી રહ્યા છીએ. ભારતીય ટીમની ચોમેર અમે જડબેસલાક સુરક્ષા ઉપલબ્ધ કરી છે. આયોજનના સુરક્ષા ડાયરેક્ટર તરીકે પૂરા પ્રવાસમાં હું સતત ભારતીય ટીમ સાથે રહીશ.
ભારતીય ડેવિસ કપ ટીમ રવિવારે ઇસ્લામાબાદ પહોંચી ગઈ હતી જેમાં પાંચ ખેલાડી, બે ફિઝિયો તથા ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશનના બે અધિકારીઓ સામેલ છે. રહેમાને જણાવ્યું હતું કે પ્રવાસના સમયે એસ્કોટ વાહન ટીમની સાથે રહેશે. ટીમ વીવીઆઈપી પ્રવેશ દ્વારથી હોટેલમાં પ્રવેશ કરશે જે રાજ્યોના પ્રમુખો માટે જ ઉપયોગમાં લેવાય છે. બોમ્બ સ્ક્વોડ પ્રત્યેક સવારે આયોજન સ્થળની ઝીણવટપૂર્વક તપાસ કરશે અને કાર્યક્રમ સ્થળમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ પૂરી પ્રક્રિયા મુકાબલા દરમિયાન પણ જારી રહેશે.
પાકિસ્તાન ટીમના ખેલાડીઓમાંના એક અખિલ ખાને જણાવ્યું હતું કે જો ભારતીય ટીમ સુરક્ષા બાબતે સહજ અનુભવતી હોય તો તેમણે સિટીની મુલાકાત લેવી જોઈએ. તેમને હું રેસ્ટોરાંમાં ડિનર માટે લઈ જવાની ઇચ્છા રાખું છું. જોકે તમામ બાબતો ભારતીય ખેલાડીઓ ઉપર મદાર રાખે છે.
પાકિસ્તાને પોતાની તાકાતના અનુરૂપ રમવા માટે ગ્રાસ કોર્ટની પસંદગી કરી છે પરંતુ યજમાન ટીમ ઘરઆંગણાની પરિસ્થિતિનો વધારે ફાયદો ઉઠાવી શકશે નહીં કારણ કે વધારેમાં વધારે 500 સમર્થકોને જ મેચ માટે પ્રવેશ આપવામાં આવશે. આઈટીએફે સુરક્ષાના કારણોસર વધારે આમંત્રિતો તથા સમર્થકોની યજમાની કરવાની મંજૂરી પીટીએફને આપી નથી.


