- અમેરિકાથી ભારતીય વ્યવસાયિકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે
- બે દાયકા બાદ નીતિ બદલી
- પાંચ સપ્તાહમાં વિઝા રિન્યૂ કરી આપશે
અમેરિકાથી ભારતીય વ્યવસાયિકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. અમેરિકન સરકારના એક પગલા હેઠળ એચ-1બી વિઝાધારકો અમેરિકા છોડયા વગર જ વિઝા રિન્યૂ કરવા માટે અરજી કરી શકશે. આગામી પાંચ સપ્તાહમાં 20 હજાર એચ-1બી વિઝાધારકો અમેરિકામાં રહીને જ પોતાના વિઝા રિન્યૂ કરાવી શકશે. વિઝા રિન્યૂ કરવાની પરવાનગી આપતાં એક પાયલોટ કાર્યક્રમને અમેરિકાના વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. લગભગ બે દાયકા બાદ એવું થઇ રહ્યું છે કે જ્યારે રિન્યૂઅલ પ્રક્રિયાને શરૂ કરવામાં આવી છે. જો કે વિઝા માટે જણાવવામાં આવ્યું છે કે તેના માટે 20 હજાર ઇમિગ્રન્ટ કર્મચારીઓને જ તેનો ફાયદો મળશે. તેની સાથોસાથ ઘરેલું સ્તર પણ તેઓ પોતાના એચ-1બી વિઝાને રિન્યૂ કરાવી શકશે. ભારતીય નાગરિકો સહિત કેટલીક અરજી આધારિત કામચલાઉ કાર્ય વિઝાના દેશમાં રિન્યૂ કરવા માટેના પાયલોટ પ્રોજેક્ટ કાર્યક્રમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા દરમિયાન કરવામાં આવી હતી.
કર્મચારીઓએ વિઝા રિન્યૂ કરવા ફરજિયાત સ્વદેશ આવવું પડે છે
પાછલા વર્ષે જૂનમાં પીએમ મોદીની રાજકીય યાત્રા દરમિયાન એચ-1બી વિઝાની કેટલીક શ્રોણીઓમાં ઘરઆંગણે રિન્યૂઅલ માટેના એક પાયલોટ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વ્યવસાયિકો માટે એચ-1બી અને એલ-1 વિઝા જેવી લોકપ્રિય શ્રોણી છે, પણ અમેરિકામાં તેને રિન્યૂ કરી શકાતી ના હોવાના કારણે પડકારો ઊભા થયાં હતાં.
ભારતથી વિઝા લઇને યુએસ પહોંચેલા લોકો બાકાત રહેશે
અહેવાલો અનુસાર જે 20 હજાર વ્યવસાયિકોના એચ-1બી વિઝા રિન્યૂ કરી આપવામાં આવશે તેમાં હાલમાં કેનેડા અને ભારતમાંથી એચ-1બી વિઝા લઇને અમેરિકા પહોંચેલા કર્મચારીઓને બાકાત રાખવામાં આવશે. અમેરિકાના વિદેશ વિભાગની એક પ્રેસ રિલીઝમાં આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને સરકારે તેની પુષ્ટિ પણ કરી છે. તેમાં એમ પણ જણાવાયું છે કે એજન્સીની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિઝા એપ્લિકેશન મારફત અરજી કરવાની રહેશે.


