- એલસીબી ટીમે 80 ફૂટ રોડ પરના પેટ્રોલપંપ ઉપરથી બંનેને દબોચ્યા
- મૂળીમાં વાડીના શેઢે કડબમાં સંતાડેલ દારૂની 261 બોટલ મળી આવી
- સુરેન્દ્રનગરમાંથી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયેલા 2 શખ્સો.
સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીને આધારે 80 ફુટ રોડ પર આવેલા પેટ્રોલપંપ ઉપર દરોડો કર્યો હતો. જેમાં ખંડણી અને દારૂ કેસના ફરાર આરોપી સહિત રને દારૂ, બિયર, કાર અને મોબાઈલ સહિતની મત્તા સાથે પકડી પાડયા હતા.બીજી તરફ મૂળી પોલીસે ધોળીયાની વાડીના શેઢેથી દારૂની 261 બોટલ જપ્ત કરી હતી.
એલસીબી પીઆઈ વી.વી.ત્રિવેદીની સુચનાથી સ્ટાફ સોમવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે સ્ટાફના વિજયસીંહ પરમારને 80 ફુટ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર રહેલી કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે દરોડો કર્યો હતો. જેમાં બીયરના 192 ટીન, કાર અને ર મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,44,200ની મત્તા સાથે મુળ રાજસ્થાનના બાડમેરનો અને હાલ રબારીનેસમાં રહેતો ઈકબાલ ઉર્ફે ઈરફાન મોહમદખાન મેર તથા મેલા અરજણભાઈ કલોતરા ઝડપાયા હતા. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.પોલીસની પ્રાથમીક તપાસમાં ઈકબાલ મેર સામે બી ડીવીઝન પોલીસ મથકે ખંડણી અને વઢવાણ પોલીસ મથકે દારૂનો ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યુ હતુ.આ બન્ને ગુનામાં પણ તે લાંબા સમયથી વોન્ટેડ હતો.જયારે મૂળી પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, રાયસંગભાઈ સહિતની ટીમ ખનીજ અંગે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ધોળીયા ગામના નરશી વીરજીભાઈ બાંટીયા અને સુખા શીવાભાઈ થરેશા બન્ને ભેગા મળી સુખા થરેશાની વાડીના શેઢે વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની હકિકત મળતા રેડ કરાઈ હતી. જેમાં બન્ને આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પરંતુ પોલીસે વાડીના શેઢે કડબની નીચેથી વિદેશી દારૂની નાની મોટી 261 બોટલ કિંમત રૂપિયા 59,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.


