- કોસ્ટગાર્ડે 2017માં ઓપરેશન હાથ ધરી વેસલમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો
- 4 શખ્સોને દસ વર્ષની સજા : તમામને 1-1- લાખનો દંડ
- એનસીબીએ આ ડ્રગ્સની અંદાજીત કિંમત રૂ 4500 કરોડ હોવાનું જાહેર કર્યું હતું
પોરબંદરના દરિયામાં વેસલમાંથી ઝડપાયેલા રૂ 4500 કરોડના ડ્રગ્સ મામલે કોર્ટે 6 શખ્સોને 20 વર્ષની અને 4 શખ્સોને 10 વર્ષની સખત કેદની સજા ફ્ટકારી છે જયારે તમામને રૂ 1-1 લાખનો દંડ પણ ફ્ટકારવામાં આવ્યો છે.
મુંબઈ રહેતા સુપ્રિત તિવારી, સંજય લક્ષ્મણ પ્રસાદ યાદવ, દેવેશકુમાર દીનેશ, મુનીશકુમાર મીલાપચંદ, વિનય દુધનાથ યાદવ, મનીશ સંજયકુમાર પટેલ, અનુરાગ શીવ બાબુ શર્મા, દિનેશકુમાર શ્રીદલ યાદવ વગેરેએ મે 2017ના અરસામાં ઈરાની નાગરિક સૈયદ અલી મોરાની સાથે મેળાપીપણુ કરી સૈયલ અલીના પ્રિન્સ-2 નામના વેસલમાં ડ્રગ્સની હેરાફેરી માટે જરૂરી ફેરફરો કર્યા હતા. ત્યારબાદ સુપ્રિતે જહાજના કેપ્ટન તરીકે અને અન્ય 7 શખ્સો તેમાં ક્રૂ મેમ્બર તરીકે રહી અને વેસલમાં અગાઉથી તૈયાર કરેલ ગુપ્ત જગ્યાઓમાં ઈરાની અને પાકિસ્તાની નાગરિકો સાથે મેળાપીપણું કરી તેમાં નારકોટિકસ ડ્રગ્સ ભર્યું હતું. આ ડ્રગ્સ ભારતમાં વેચાણ અર્થે લાવ્યા હતા ડ્રગ્સના વેચાણ માટે સુપ્રીતે તેના ભાઈ સુજીત મારફ્ત મુંબઈના જ વિશાલકુમાર જીતેન્દ્ર યાદવ તથા ઈરફન શેખ મોહમદ શરીફ્ સાથે સંપર્ક કરી વાતચીત કરી હતી અને સુલેમાન સીદીક ભડેલા તથા સાઉદ અસલમ પટેલને આ ડ્રગ્સના વેચાણ માટે ગ્રાહકો શોધવા અને ડ્રગ્સ ઉતારવા માટે ગુજરાતના દરિયાકાંઠે સલામત સ્થળ શોધવા જણાવ્યું હતું. બાદમાં આઠેય શખ્શો વેસલમાં ડ્રગ્સ છુપાવીને આવી રહ્યા હતા ત્યારે ગુજરાતના દરિયામાંથી તા.29-7-2017ના કોસ્ટગાર્ડ દ્વારા વેસલને ઝડપી લેવાયું હતું. પોરબંદરના બંદરે તપાસ કરતા વેસલમાંના પાઈપો અને છૂપી કેવીટીઓમાંથી 1526 પેકેટોમાં કુલ 1445 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાંથી 1018 કિલોગ્રામ ફેરોઈન અને 427 કિલોગ્રામ મોરફીન હતું. એનસીબીએ આ ડ્રગ્સની અંદાજીત કિંમત રૂ 4500 કરોડ હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં એનસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે કેસ એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ (સ્પે.એન.ડી.પી.એસ.)કોર્ટમાં ચાલી ગયો હતો. બન્ને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટ દ્વારા આરોપીઓ સામે ગુન્હો સાબિત માની સુપ્રિત તીવારી, સંજય યાદવ, દેવેશકુમાર, મુનીશકુમાર, વિનય યાદવ, મનીશ પટેલને વીસની વર્ષની સખત કેદની સજા તથા રૂ.1,00,000નો દંડ ફ્ટકારતો હુકમ કરવામાં આવ્યો છે. જયારે સુજીત તિવારી, વિશાલકુમાર યાદવ, સુલેમાન સીદિક ભડેલા,સાઉદ અસલમ પટેલને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.1,00,000નો દંડ કટકારતો હુકમ કરવામાં આવ્યો છે. જયારે ત્રણ આરોપીઓ અનુરાગ શર્મા,દિનેશકુમાર યાદવ, ઈરફન શેખ ન્યાયીક કાર્યવાહી દરમ્યાન મૃત્યુ પામ્યા હોવાથી તેની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો છે.


