- ગુજરાતમાં દત્તક પુત્ર અને એક સગાની હત્યાના કેસમાં ભારતે પ્રત્યાર્પણની માગણી કરી છે
- ઓસ્ટ્રેલિયાની સાઉથવર્ક ક્રાઉન કોર્ટમાં આ દંપતી સામેના કેસમાં સુનાવણી હાથ ધરી હતી
- દત્તક પુત્રનો વીમો પકવીને નાણા મેળવવાનું તે ષડયંત્ર હતું
ભારતીય મૂળના એક બ્રિટિશ દંપતીને ઓસ્ટ્રેલિયાની એક અદાલતે ડ્રગ્સની દાણચોરીમાં 33 વર્ષના કારાવાસની સજા ફરમાવી છે. આ દંપતી પર ગુજરાતમાં પોતાના દત્તક પુત્ર તેમ જ એક અન્ય સગાની હત્યા કરી હોવાના પણ આક્ષેપ છે. આ કેસમાં ભારત બ્રિટન સમક્ષ આ દંપતીના પ્રત્યાર્પણની માગણી કરી ચૂક્યું છે. હવે ઓસ્ટ્રેલિયાની અદાલત પણ તેમને સજા સંભળાવી ચૂકી છે. મીડિયા અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાની સાઉથવર્ક ક્રાઉન કોર્ટમાં સોમવારે આ દંપતી સામેના કેસમાં સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે ભારતીય મૂળની આરતી ધીર (59) અને કંવલજીતસિંહ રાયજાદા (35)ને કેફી દ્રવ્યની નિકાસ સંબંધમાં 12 કાઉન્ટ અને મની લોન્ડરિંગ સંબંધી 18 કાઉન્ટમાં દોષિત માનીને 33 વર્ષના કારાવાસની સજા સંભળાવી હતી. જોકે સુનાવણી વખતે દંપતીએ તેમની સામે ડ્રગ નિકાસ અને મની લોન્ડરિંગના થયેલા આક્ષેપોને ફગાવી દીધા હતા. ડ્રગ દાણચોરીનો કેસ મે 2021નો છે.
દંપતી પર ગુજરાતમાં 11 વર્ષના દત્તક પુત્ર ગોપાલ સેજાની અને એક અન્ય સગા હરસુખભાઇ કારદાનીની ફેબ્રુઆરી 2017માં હત્યા કરવાના આક્ષેપ છે. ગુજરાત પોલીસની તપાસમાં દાવો થયેલો છે કે દંપતીએ ગોપાલને પુત્ર તરીકે દત્તક લઇને તે પછી તેના અપહરણ અને હત્યાનું ષડયંત્ર પાર પાડતાં પહેલાં દત્તક પુત્રનો રૂપિયા 1.3 કરોડનો વીમો લીધો હતો. દત્તક પુત્રનો વીમો પકવીને નાણા મેળવવાનું તે ષડયંત્ર હતું.
સિડનીમાં 514 કિલો કોકેન થયું હતું જપ્ત
સિડનીના આંતરરાષ્ટ્રીય વિમાની મથકેથી મે 2021માં ઓસ્ટ્રેલિયાના સરહદી દળે છ ટૂલબોક્સ જપ્ત કર્યા હતા. ટૂલબોક્સ બ્રિટનથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. તે બોક્સમાંથી કોકેન મળી આવ્યું છે. તેની કિંમત 5.7 કરોડ પાઉન્ડ આંકવામાં આવી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તપાસ શરૂ કરતાં ધીર અને રાયજાદાનું નામ સામે આવ્યું હતું. ટૂલબોક્સમાંથી 514 કિલો કોકેન જપ્ત થયું હતું.


