- ખાનગી દસ્તાવેજો લીક કરવાના કેસમાં ઇમરાન- વિદેશમંત્રીને 10-10 વર્ષની જેલ થઈ છે
- સજાની સુનાવણી માટે જવાબદાર અદાલતના જજ મોહમ્મદ બશીર જાતે જેલ પહોંચ્યા હતા
- તોશાખાના કેસમાં પૂર્વ પીએમ ઇમરાન ખાન પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પહેલાં વિપક્ષી પાર્ટીના સંસ્થાપક ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધતી જાય છે. તોશાખાનાના કેસમાં પાકિસ્તાનની એક અદાલતે તેમને 14 વર્ષની જેલની સજા કરી છે. ઇમરાનની સાથે જ તેનાં પત્નીને પણ 14 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે.
તોશાખાના કેસમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઇમરાન ખાનની સજાની સુનાવણી માટે જવાબદાર અદાલતના જજ મોહમ્મદ બશીર જાતે જેલ પહોંચ્યા હતા. ચુકાદા હેઠળ ઇમરાન ખાન અને બુશરાબીબી પર 10 વર્ષ સુધી કોઈ પણ સરકારી પદ સ્વીકારવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તદઉપરાંત, ઇમરાન અને બુશરા પર 78-78 કરોડ રૂપિયાનો આર્થિક દંડ પણ કર્યો છે.તોશાખાના કેસમાં પૂર્વ પીએમ ઇમરાન ખાન પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. તોશાખાનામાં વિદેશી નેતાઓ દ્વારા મળેલા ઉપહારો જમા કરવામાં આવે છે. તોશાખાનાના નિયમો અનુસાર, સરકારી અધિકારી કિંમત ચૂકવીને જ ઉપહાર પોતાની પાસે રાખી શકે છે, પણ તે પહેલાં મળેલી ભેટ તેણે તોશાખાનામાં જમા કરાવવી પડે છે.
ઇમરાન ખાન અને તેનાં પત્ની પર આરોપ હતો કે તેમણે પોતાની શક્તિનો ઉપયોગ કરીને ઉપહારોને ઓછી કિંમતે પોતાની પાસે રાખી લીધા હતા.
એક દિવસ અગાઉ અન્ય કેસમાં સજા થઈ હતી
એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીને ગુપ્ત (ખાનગી) માહિતીઓ લીક કરવાના કેસમાં 10-10 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. ઓફિશિયલ સીક્રેટ એક્ટ હેઠળ રચવામાં આવેલી વિશેષ અદાલતને ખાનગી માહિતીઓ લીક કરવાના કેસમાં તે બંને દોષિત જણાયા હતા. ઇમરાન ખાન અને શાહ મહમૂદ કુરૈશી રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ છે અને જેલમાંથી જ તેઓએ અદાલતની સુનાવણીમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી.


