- અયોધ્યા રામમંદિરને લઈને કેનેડામાં વસતા હિન્દુઓમાં ભારે ઉત્સાહ
- કેનેડાની સંસદમાં ચંદ્ર આર્યએ રામ મંદિરને લઈને આપ્યું નિવેદન
- કેનેડાના 10 લાખ હિંદુઓ માટે પણ ભાવનાત્મક ક્ષણ: ચંદ્ર આર્ય
22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામ જન્મભૂમિ મંદિર ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવાની સાથે સાથે રામમંદિરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. સમગ્ર વિશ્વમાં આનો પડઘો પડ્યો. આ મુદ્દે કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે આ દુનિયાભરના 1.2 અબજ હિંદુઓ માટે નવા યુગની શરૂઆત છે.
મીડિયા અહેવાલ મુજબ, બુધવારે 31 જાન્યુઆરીના રોજ રામમંદિર પર કેનેડાની સંસદમાં બોલતા ચંદ્ર આર્યએ કહ્યું કે જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે હું ઓટાવાના હિન્દુ મંદિરમાં હતો અને તેનું લાઈવ કવરેજ જોયું હતું. આ એક ભાવનાત્મક ક્ષણ હતી.
એક નવા યુગની શરૂઆત
તેમણે કહ્યું કે, “વિશ્વના સૌથી જૂના ધર્મના ઈતિહાસમાં, 22 જાન્યુઆરી, 2024 એ કેનેડાના 10 લાખ હિંદુઓ સહિત વિશ્વભરના 1.2 અબજ હિંદુઓ માટે એક નવા યુગની શરૂઆત છે. “સદીઓની અપેક્ષા અને અપાર બલિદાન બાદ, અયોધ્યામાં દિવ્ય મંદિરનું ઉદ્ઘાટન ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે કરવામાં આવ્યું હતું, આ કામ એવું છે જે એક મૂર્તિને દેવતામાં પરિવર્તિત કરે છે.”
કેનેડાના 115 મંદિરોમાં થયું હતું લાઈવ ટેલિકાસ્ટ
કેનેડાની સંસદમાં તેમણે કહ્યું કે રામ મંદિર ઉદ્ઘાટનનું લાઈવ કવરેજ લગભગ 115 મંદિરો અને ઘણા કાર્યક્રમોમાં જોવા મળ્યું. ભારતીય મૂળના કેનેડિયન સાંસદે જણાવ્યું હતું કે, “સમગ્ર કેનેડામાં લગભગ 115 મંદિરો અને કાર્યક્રમોમાં અન્ય હિન્દુઓની જેમ મે પણ ઓટ્ટાવા હિંદુ મંદિરમાં આ ભાવનાત્મક ક્ષણનું લાઇવ કવરેજ નિહાળ્યું હતું.”
તેમણે ભારતને હિન્દુઓના જન્મસ્થળ તરીકે વર્ણવતા, વધુમાં કહ્યું હતું કે, “હિંદુ ધર્મનું જન્મસ્થળ ભારત એક મોટી વૈશ્વિક આર્થિક અને ભૂ-રાજનીતિક શક્તિ તરીકે ઉભરવા માટે તેની સંસ્કૃતિનું પુનઃનિર્માણ કરી રહ્યું છે.” આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેનેડા અને ભારત આર્થિક તકો વહેંચવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે કુદરતી ભાગીદાર છે.


