- ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
- પંજાબ, હરિયાણામાં વાવાઝોડુાં સાથે વીજળી પડી શકે
- 2 ફેબ્રુઆરીએ ધુમ્મસનું જાડું પડ પડવાની અપેક્ષા
ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર થયા બાદ બદ્રીનાથ ધામમાં ગઈકાલથી સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. બુધવારથી દેશના સૌથી જૂના અને સૌથી લોકપ્રિય તીર્થસ્થળોમાંના એક એવા બદ્રીનાથમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે બદ્રીનાથ મંદિરના પરિસર અને આસપાસની ટેકરીઓ પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. અન્ય લોકપ્રિય તીર્થસ્થળ, કેદારનાથ મંદિર, બરફથી ઢંકાયેલું રહે છે કારણ કે આ વિસ્તારમાં સતત બીજા દિવસે હિમવર્ષા ચાલુ છે.
પશ્ચિમી વિક્ષેપને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ અને હિમવર્ષા
ટિહરી ગઢવાલમાં ભારે હિમવર્ષા થતાં ઉત્તરાખંડમાં સુરકંડા દેવી હિલ્સ પણ બરફથી ઢંકાઈ ગયો છે. આ દરમિયાન ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે, પશ્ચિમી વિક્ષેપને કારણે આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
દિલ્હી, એનસીઆરમાં યલો એલર્ટ જારી
દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પશ્ચિમી વિક્ષેપને કારણે અમે પર્વતીય પ્રદેશો (હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડ)માં ભારે વરસાદ અને હિમવર્ષાની અપેક્ષા રાખીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હરિયાણા, દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશ જેવા મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે. વધુમાં તેમણે આજે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે પંજાબ અને હરિયાણામાં વાવાઝોડાં અને વીજળી પડવાની અપેક્ષા છે. દિલ્હી, એનસીઆરમાં હળવો વરસાદ અપેક્ષિત છે અને આજે વાવાઝોડા અને વીજળીના ચમકારાની પણ અપેક્ષા છે. 2 ફેબ્રુઆરીએ ધુમ્મસનું જાડું પડ પડવાની અપેક્ષા છે. દિલ્હી, એનસીઆરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


