- બજેટમાં રેલવેને મોટી ભેટ
- નવા ત્રણ રેલ કોરિડોરના નિર્માણની જાહેરાત કરવામાં આવી
- આ ઉપરાંત મેટ્રો અને નમો રેલનું પણ અન્ય શહેરો સુધી વિસ્તરણ કરાશે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે સંસદમાં રજૂ કરેલા નાણાવર્ષ 2024-25 માટેના વચગાળાના બજેટમાં જાહેર પરિવહન માટે મોટી જાહેરાતો કરી હતી. સરકાર ટ્રેનોના સામાન્ય કોચને વંદે ભારત સ્તરના બનાવવા તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત મેટ્રો અને નમો રેલનું પણ અન્ય શહેરો સુધી વિસ્તરણ કરાશે. નાણાપ્રધાને તેમના બજેટ ભાષણમાં કહ્યું કે જાહેર પરિવહનના મોરચે ભારત વેગ પકડશે. રેલવેના અંદાજે 40 હજાર કોચ વંદે ભારત કોચમાં ફેરવાશે. સાથે જ સરકારે નવા ત્રણ રેલ કોરિડોરના નિર્માણની પણ જાહેરાત કરી છે. ફ્રેટ કોરિડોરનું કામ પણ જારી છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં એરપોટ્ર્સની સંખ્યા પણ વધી છે. હાલ દેશમાં 149 એરપોર્ટ સંચાલિત થઇ રહ્યા છે.
ત્રણ મુખ્ય કોરિડોરમાં એનર્જી, મિનરલ એન્ડ સીમેન્ટ કોરિડોર, પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર તથા હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર સામેલ છે. નાણાપ્રધાનનું કહેવું છે કે આ નવા કોરિડોરની ઓળખ પીએમ ગતિશક્તિ પહેલ અંતર્ગત કરાઇ છે.


