- દૂષણ ઊભું થવાનો સ્થાનિકોને ડર, ઉપરાંત ટ્રાફિક સમસ્યા પણ વધશે
- 12 સોસાયટીઓના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
- ઓર્ગેનિક શાક વેચવા માટે દર રવિવારે મ્યુનિ.સ્કૂલોમાં આયોજન કરાયું હતું
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રિઝર્વ રખાયેલા પોતાના ખાલી પ્લોટમાં શાક માર્કેટ શરૂ કરવા વારંવાર આયોજન કરાય છે. પરંતુ શાક માર્કેટ બનાવવાનો ધ્યેય સાકાર થતો નથી. રવિવારે ચાંદખેડાના 400 વારના પ્લોટમાં શાક માર્કેટ શરૂ કરવાની સામે આસપાસની કેટલીક સોસાયટીઓના રહીશોએે વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, ચાંદખેડામાં શાક માર્કેટ બનાવવાનો વિરોધ કરવા છતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માર્કેટ બનાવાશે તો ચૂંટણી સમય ધરણાં કરાશે. એટલું જ નહીં, ચૂંટણીમાં સ્થાનિક 15થી 20 સોસાયટીના રહીશો મતદાનથી અળગા રહેશે. શાક માર્કેટથી દૂષણ ઊભું થશે. આ ઉપરાંત નવા શાક માર્કેટથી ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બનશે.
અગાઉ ઓર્ગેનિક શાક વેચવા માટે દર રવિવારે મ્યુનિ.સ્કૂલોમાં આયોજન કરાયું હતું. પરંતુ તેનાથી ગંદકી વધતાં અંતે ઓર્ગેનિક શાક વેચવાનું આયોજન પડતું મુકાયું હતું. શહેરમાં રસ્તા પર ચારેય તરફ વર્ષો જૂના શાક માર્કેટ છે. કેટલાક વિસ્તારોમાં મ્યુનિ.એ ઇ-ઓક્શનથી પ્લોટ વેચી મારતા હવે રસ્તા પરના માર્કેટ દૂર કરી શકાય તેમ નથી. મ્યુનિ.ના પ્લોટ પર નજર રાખીને બેઠેલા મ્યુનિ.સત્તાધીશો અથવા અન્ય રાજકીય આગેવાનો મ્યુનિ.ના આયોજનને નિષ્ફળ બનાવવા ઘણો મહત્વનો રોલ ભજવે છે.
ખાલી પ્લોટમાં નજર હોવાથી મોટાભાગના વિસ્તારમાં કોર્પોરેટર મહત્વનો રોલ ભજવે છે
મ્યુનિ. પોતાના પ્લોટમાં શાક માર્કેટ સહિત વિવિધ માર્કેટો શરૂ કરવા આયોજન કરે છે, પરંતુ વિરોધના પગલે પાછળથી બધુ પડતું મુકાય છે. જેની પાછળ મોટાભાગના વિસ્તારમાં કોર્પોરેટરો મહત્ત્વનો રોલ ભજવે છે. આ બાબતે અધિકારીઓનો પૂછતા તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો.


