- અંધશ્રદ્ધાનો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે
- હત્યાને અકસ્માતમાં ખપાવી શકાય એવી માનસિકતા
- પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી
અંધશ્રદ્ધા જયારે હદથી વધી જાય ત્યારે માણસ સાચું ખોટું સમજવાની શક્તિ જ ગુમાવી બેસે છે અને અત્યંત ખતરનાક પગલા ભરી બેસે છે. આવો જ એક અંધશ્રદ્ધાનો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. જેમાં હત્યાને અકસ્માતમાં ખપાવી શકાય એવી માનસિકતા ધરાવતા વ્યક્તિએ અંધશ્રદ્ધામાં આવીને હત્યા કરવા જેવું મૂર્ખતાપૂર્ણ પગલું ભરી લીધું હતુ. જોકે સમગ્ર મામલે બહાર આવી ગયો અને હવે આ અંધશ્રદ્ધાળુ આરોપી જેલ હવાલે છે.
અંધશ્રદ્ધાએ તેને હવે હત્યા જેવા સંગીન ગુનાનો આરોપી બનાવી
અંધશ્રદ્ધાએ તેને હવે હત્યા જેવા સંગીન ગુનાનો આરોપી બનાવી જ દીધો છે. અગાઉના પાડોશી મહિલાને પોતાના ટ્રકથી કચડી નાખી તેની હત્યા કરવાના આરોપમાં મોરબી પોલીસે અમૃતલાલ ચૌહાણ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. 31 જાન્યુઆરીના રોજ સાંજે મોરબીના પંચાસર રોડ પર દરણુ મુકીને પરત ઘરે જઈ રહેલા પંખુબેન ડાભી નામના મહિલાને ટ્રક વડે કચડી નાખીને પંખુબેનની હત્યા કરવામાં આવી હોવાના ખુલાસા બાદ અકસ્માતના બનાવમાં હત્યાની કલમ 302 ઉમેરવાની મંજુરી કોર્ટમાંથી મેળવીને આરોપી અમૃતલાલ ચૌહાણની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી અને હવે આરોપીને કોર્ટે જેલહવાલે કરવા આદેશ આપ્યો છે.
પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી
31 જાન્યુઆરીની સાંજે મોરબીના પંચાસર રોડ પર રાધેક્રિશ્ના સોસાયટી પાસેથી પસાર થતા પંખુબેન ડાભી નામના મહિલાને ટ્રકે હડફેટે લીધી હતી. જે ઘટનામાં પંખુબેનનું કરુણ મોત નીપજ્યું હતુ અને જે બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ જોતા આ ઘટના અકસ્માત નહિ પરંતુ હત્યા હોવાની શંકા પોલીસ ના મનમાં ઉપજી હતી. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અમૃતલાલ ચૌહાણની પુછતાછમાં પોલીસ ચોકી ઉઠી કારણ કે આ બનાવમાં આરોપીની અંધશ્રદ્ધા આ હત્યા પાછળ હોવાનું ચોકાવનારું સત્ય સામે આવ્યું હતું. જેથી બનાવ અકસ્માતના બદલે હત્યામાં પરિવર્તિત થયો અને હત્યાને અકસ્માતમાં ખપાવવાની કોશિસ કરનાર અમૃતલાલની મૃતકના પતિ રમણીકભાઈ ડાભીની ફરિયાદ ના આધારે હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
અમૃતલાલ આમ રીઢો ગુનેગાર તો નથી પરંતુ હવે તે હત્યાનો આરોપી છે
અમૃતલાલ આમ રીઢો ગુનેગાર તો નથી પરંતુ હવે તે હત્યાનો આરોપી છે. તે અગાઉ મૃતક પંખુબેનનો પાડોશી જ હતો. પંચાસર રોડ પર રાધેક્રિશ્ના સોસાયટીમાં બંને આડોશ પડોશમાં જ રહેતા હતા. જે તે વખતે દિવાલ ચણવા બાબતે બંને પરિવાર વચ્ચે થયેલ નાનકડી માથાકૂટ કાયમની માથાકૂટ બની ગઈ હતી. આથી અમૃતલાલ પોતાનું મકાન ભાડે આપીને પરિવાર સાથે બીજે રહેવા ચાલ્યો ગયો હતો. બીજે પણ અમૃતલાલની પત્નીને કેન્સર હોવાનું બહાર આવ્યું હતુ. બીજી બાજુ અમૃતલાલની દીકરી પણ લાંબા સમયથી પિયર રીસામણે આવી હતી અને ઘરમાં આર્થિક સ્થિતિઓ પણ સુધારી ન હતી. તેવામાં અમૃતલાલ એક ભૂવા પાસે જાય છે અને ભૂવો કહે છે કે તેમને કોઈ આસપાસનું જ નડે છે. બસ આ શબ્દો બાદ અમૃતલાલની અંધશ્રદ્ધા તેમના પર હાવી થઇ ગઈ અને તેમણે આ બધી સ્થિતિઓ માટે પંખુબેનની મેલી વિદ્યા છે તેવું માની લઈને તે શંકામાં પંખુબેનને જ પતાવી દેવાનો ખતરનાક નિર્ણય કર્યો હતો. અને 31 જાન્યુઆરીએ સાંજે જયારે પંખુબેન દરણુ મૂકીને પરત ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અગાઉથી ટ્રક સાથે ત્યાં ગોઠવાઈ ગયેલ અમૃતલાલે ટ્રક પંખુબેન પર ચડાવી દઈ કચડી નાખ્યા અને તેમની હત્યા કરી નાખી હતી.


