- હમાસ દ્વારા રજૂ થયેલી યુદ્ધવિરામ દરખાસ્તને ઇઝરાયેલે ઠુકરાવી
- પેલેસ્ટાઇનના 21 આતંકવાદીની ધરપકડ
- જંગ લાંબો ચાલે તેવી આશંકા
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે તેઓ હમાસ સાથે ચાર મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં પૂર્ણ વિજય ના મળે ત્યાંસુધી યુદ્ધવિરામની દરખાસ્તનો સ્વીકાર નહીં કરે. તેમણે કહ્યું કે હમાસનો સંપૂર્ણ ખાતમો ના થાય ત્યાં સુધી ઇઝરાયેલ આ યુદ્ધ લડતું રહેશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયેલ પર અચાનક કરેલા હુમલા પછી ઇઝરાયેલની સેના હમાસની છાવણીઓને નિશાન બનાવી રહી છે. હમાસને ખતમ કરવા પ્રતિજ્ઞા કરી ચૂકેલા વડાપ્રધાન નેતન્યાહૂએ વિશ્વના દબાણ સામે કોઇપણ સંજોગોમાં ઝૂકી જવા ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલની સેના હમાસના આતંકવાદી સૂત્રધારોને ખતમ કર્યા વિના શાંતિથી બેસશે નહીં. વીતેલા ચાર મહિનાથી જારી હિંસક સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં અભૂતપૂર્વ માનવીય સંકટ પેદા થયું છે. અલ જઝીરાના જણાવ્યા મુજબ બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યારસુધીમાં 27,708 લોકોના મોત થઇ ચૂક્યા છે. ચાર મહિનાથી સામસામે ચાલી રહેલા ગોળીબારમાં 67,147 લોકો ઘાયલ પણ થયા હતા.
બંને દેશો વચ્ચેના લોહિયાળ સંઘર્ષને કારણે મોટું માનવીય સંકટ સર્જાયું છે. તે સંકટને જોતાં ભારત સહિતના દેશો યુદ્ધવિરામની તરફદારી કરી રહ્યા છે. તે અરસામાં ઇઝરાયેલની સેનાએ બુધવારે દાવો કર્યો હતો કે મંગળવારે રાતે યહૂદિયા અને સામરિયા આસપાસ થયેલી છાપામારીની કામગીરી દરમિયાન 21 જેટલા શંકાસ્પદ આતંકીની ધરપકડ કરાઈ હતી. જેનિન શરણાર્થી છાવણીમાંથી સાત પેલેસ્ટાઇનવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કરીને બોમ્બ પણ ઝીંક્યા હતા. સુરક્ષા દળોએ એક ગોદામમાંથી શસ્ત્ર અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ઇઝરાયેલ યહૂદિયા અને સામરિયા આસપાસ વિસ્તારમાં છાપામારી કરતું રહે છે. 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા પછી આ વિસ્તારમાંથી ઇઝરાયેલની સેના 3950થી વધુ પેલેસ્ટાઇનવાસીઓની ધરપકડ કરી ચૂકી છે. તે પૈકી 1350 હમાસ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.


