- ખેતરોમાં ઘુસી જવાથી 300 વીઘા ઘંઉના પાકને ભારે નુકસાન થયુ
- ખેડુતોના હાથમા આવેલ કોળીયો છીનવાઈ જવાની ભીતી પણ સેવાઈ
- પાકમાં થતા નુકશાનને જોઈને રાતા પાણીએ ખેડૂતોનો રડવાનો વારો આવ્યો
ખેડા તાલુકાના નાયકા સીમમાં છેલ્લા ઘણા દિવસોથી કાંસનુ પાણી આસપાસના ખેતરોમાં ઘુસી જવાથી 300 વીઘા ઘંઉના પાકને ભારે નુકસાન થયુ છે. ખેડૂતો આ બાબતે તાલુકા અને જિલ્લાકક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ નહી આવતા લાચાર બની ગયા છે. તૈયાર થવાને આરે આવેલ ઘંઉનો પાક પાણીમાં ડુબી ગયેલ જોઈને ખેડુતોના હાથમા આવેલ કોળીયો છીનવાઈ જવાની ભીતી પણ સેવાઈ રહી છે. ખેતરમાં ઉભા પાકમાં થતા નુકશાનને જોઈને રાતા પાણીએ ખેડૂતોનો રડવાનો વારો આવ્યો છે. આ બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી ખેડૂતોની માંગ છે. તેમજ સત્વરે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
નાયકા ગામના ખેડુતોએ આકોશભેર જણાવ્યુ હતું કે રાત્રીના સમયે કેટલાક ઈસમો દ્વારા પોતાના ખેતરમાં નુકસાન ન થાય માટે કાંસનો પાળો તોડી નાખવાથી પાણીનો પ્રવાહનુ જોર વધતાની સાથે જ નાયકાની સીમમાં આવેલ 300 વીઘા ઉપરાંત જમીનમાં પાણી એકથી દોઢ ફુટ ભરાઈ ગયા છે. જેને લઈને ઘઉંના પાકને ભારે નુકશાન થયુ છે. ખેડૂતોએ મોંઘા ભાવનુ બિયારણ, મહામહેનતથી ઘઉંના પાકને વાવેતર કર્યુ હતુ. તેમજ સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી. પરંતુ કાંસનુ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
એક ગામના ખેડૂતો કાંસને બંધ કરી દે તો રાત્રિના સમયે પાણી નાયકા સીમ વિસ્તારના ખેતરોમાં ભરાઈ જાય છે
ખેતરમાં પાણીની જરૂર ન હોવાને કારણે તેઓ પાણીને રોકવા માટે કાંસને બંધ કરી દેતા હોય છે. જે રાત્રીના સમયે કોઈ કાંસ ખુલ્લો કરી દેતા પાણી નાયકા સીમ વિસ્તારમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. આ પાણી આગળ જતા અન્ય ખેતરોમાં તૈયાર થવાને આરે આવેલા પાકને નુકસાન થઈ રહયુ છે.
ભેરાઈ સીમ ખાતેની તલાવડીમાંથી ખોટી રીતે પાણીનો નિકાલ થાય છે
અન્ય એક ખેડૂતે જણાવ્યુ હતુ કે ભેરાઈ સીમ ખાતેની તલાવડીનું ખોટી રીતે પાણીનો નિકાલ થતો હોવાને કારણે નાયકાની જમીનમાં ઘઉંના ઉભા પાકનો બગાડ થાય છે. તેની સ્થળ તપાસ કરવા માટે તંત્રના જવાબદારોને લેખીતમાં જાણ કરી હોવા છતાં તપાસ કરાઈ નથી. પાણીથી પાકને નુકસાન થતુ હોવાની વાતને ગંભીરતાથી લેવાને બદલે તંત્રની ઢીલી નીતિના કારણે વધુ પાકને નુકસાન થઈ રહયું હોવાનો આક્ષેપ કરાયો હતો.
નડિયાદ-બારેજા સિંચાઈ કચેરીએ સ્થળ તપાસ માટે ખેડૂતોએ અરજી આપી કાર્યવાહી કરવા માંગ કરી
ખેડૂત વાડીલાલ પટેલે જણાવ્યુ હતુ કે તેઓએ બારેજા ખાતેની સિંચાઈ વિભાગની કચેરીએ લેખિતમાં અરજી ગત તા.પમી ફેબ્રુઆરીએ આપી હતી. અરજી આપ્યા બાદ અરજદારે જવાબદારનો ટેલિફોનીક સંપર્ક કરતા સ્થળ તપાસ કરીશું. તેવો જવાબ આપ્યો હતો. પરંતુ હજુ સુધી સ્થળ તપાસ કરવાનો યોગ્ય સમય ફાળવી શકયા નથી. જેને પગલે ખેડૂતોના પાકને નુકશાન થઈ રહયુ છે. તા. 6ઠ્ઠીએ નડિયાદ ખાતે પણ લેખિતમાં જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હોવાનો આક્ષેપ કરાયો હતો. કાંસનુ પાણી ઝડપથી આગળ નહીં વહેતા છલકાઈને ખેતરોમાં ફરી વળે છે.


