- હિંદુ સંગઠને કહ્યું કે આ મોટી કાનૂની જીત થઈ
- અમેરિકામાં હિંદુ ધર્મને બદનામ કરવાનું કાવતરું નિષ્ફળ ગયું છે
- 2020માં એક કંપનીના એક ભારતીય ઇજનેરે જાતિગત ભેદભાવના આક્ષેપ કર્યા હતા
અમેરિકામાં હિંદુ ધર્મને બદનામ કરવાનું કાવતરું નિષ્ફળ ગયું છે. કેલિફોર્નિયાની સરકારના એક સરકારી વિભાગે ‘નાગરિક અધિકાર વિભાગ’એ કહ્યું છે કે જાતિ આધારિત ભેદભાવ હિંદુ ધર્મનો જરૂરી ભાગ નથી. વિભાગે તે સાથે જ વર્ષ 2020માં સિલિકોન વેલીની ટેક કંપની સિસ્કો સિસ્ટમના ભારતીય મૂળના ઇજનેરે કંપનીમાં તેની સાથે જાતિ આધારિત ભેદભાવ થઈ રહ્યો હોવાને મુદ્દે કરેલી ફરિયાદથી પોતાને અલગ કરી દીધો છે. કંપનીના એક કર્મચારીએ તેની સાથે જાતિગત ભેદભાવ થતો હોવાની કરેલી ફરિયાદ આધારિત કેસથી નાગરિક અધિકાર વિભાગે પોતાની જાતને સ્વૈચ્છિકપણે અલગ કરી લેતાં હિંદુ અમેરિકન ફાઉન્ડેશને નિવેદન જારી કરીને કહ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સિસ્કો સિસ્ટમ કંપની વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદમાં જ સુધારો કરી લેવામાં આવ્યો છે. સંગઠને કહ્યું કે અમેરિકી હિંદુઓ માટે આ મોટી જીત સમાન ઘટના છે. કંપનીના ઇજનેરે કરેલી ફરિયાદમાંથી ગેરબંધારણીય અને ખોટી હકીકતને દૂર કરી દેવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે’જાતિ આધારિત ભેદભાવ હિંદુ ધર્મ અને તેના ઉપદેશનો અનિવાર્ય ભાગ છે.’ કંપનીના એક ઇજનેરે કરેલી જાતિગત ભેદભાવની ફરિયાદના અનુસંધાનમાં ફેર એમ્પ્લોયમેન્ટ એન્ડ હાઉસિંગ વિભાગે સિસ્કો સિસ્ટમ નામની કંપની સામે કેસ દાખલ કર્યો હતો. પરંતુ અમેરિકામાં જાતિગત ભેદભાવને મુદ્દે કોઈ કાયદો નહીં હોવાથી કેલિફોર્નિયાની સરકારે નાગરિક અધિકારની કલમો આધારે કેસ દાખલ કર્યો હતો. અમેરિકામાં દલિત અધિકાર માટે લડતા કેટલાક સંગઠનો પણ આ કેસ સાથે જોડાઈ ગયા હતા.
શું હતો જાતિગત ભેદભાવનો કેસ ?
વર્ષ 2020માં સિલિકોન વેલીમાં આવેલી ટોચની ટેક્નોલોજી કંપની સિસ્કો સિસ્ટમમાં એક ભારતીય અમેરિકી એન્જિનિયરે આરોપ લગાવ્યા હતા કે તેના ભારતીય મૂળના સહકર્મીઓ તેની સાથે જાતિ આધારે ભેદભાવ કરે છે, કેમ કે તે દલિત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. તેણે ફરિયાદ કરી હતી કે તેની ટીમના અન્ય ભારતીય કર્મચારીઓ ઉચ્ચ જાતિના હોવાથી તેઓ તેની સાથે ભેદભાવ કરી રહ્યા છે. તે ફરિયાદને મુદ્દે કંપની સામે કેસ દાખલ થયો હતો.


