- પીજી મેડિકલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવી ફરજિયાત
- હોસ્ટેલ માટે મજબૂર કરનારી કોલેજો સામે દંડનીય પગલાંની NMCએ તાકીદ કરી
- પહેલાના નિયમોમાં પણ આ પ્રકારની કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા મેડિકલમા અભ્યાસ કરતાં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) સ્ટુડન્ટ્સની છાત્રાલય મુદ્દે કોલેજોને તાકીદ કરતી નોટિસ જાહેર કરી છે. NMC દ્વારા મેડિકલ કોલેજોને સ્પષ્ટ સુચના આપી છે કે, પીજી મેડિકલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. હોસ્ટેલની વ્યવસ્થા ફરજિયાત કરવાની સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે, હોસ્ટેલમાં રહેવા માટે વિદ્યાર્થીઓને ફરજ પાડી શકાશે નહી. વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છાથી જ હોસ્ટેલનો સ્વિકાર કરી શકશે. હોસ્ટેલ માટે વિદ્યાર્થીઓને મજબુર કરનારી કોલેજો સામે દંડનિય પગલાની NMCએ તાકીદ કરી છે.
NMCએ પ્રસિદ્ધ કરેલી નોટીસમાં જણાવ્યું છે કે, મેડિકલ કોલેજો પીજીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા માટે મજબુર કરી શકશે નહીં. NMCએ જણાવ્યુ છે કે, કોલેજોએ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ઉપલબ્ધ કરવી એ ફરજિયાત છે, પરંતુ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર કરી શકાશે નહી. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન (PGMIR)-2023ના વિનિયમન 5.6 અન્વયે કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે યોગ્ય રહેણાક વ્યવસ્થા આપવી ફરજિયાત છે. પરંતુ આ વિદ્યાર્થીઓને ફરજ પાડી શકાય નહી. એ પહેલાના નિયમોમાં પણ આ પ્રકારની કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. NMCએ વધુમાં કહ્યું છે કે, અમને વિદ્યાર્થીઓ પાસેથી ફરિયાદો મળી છે કે, કેટલીક મેડિકલ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને તેમની હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે અને એ માટે મોટી માત્રમાં ફી પણ વસૂલવામાં આવે છે. જેથી NMC દ્વારા તાકીદ કરવામાં આવી છે કે, આ પ્રકારની ગેરરીતિ આચરી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કોલેજો સામે દંડનિય પગલાં ભરવામાં આવશે.


