- નરેન્દ્ર મોદી દિલ્હીથી 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે
- ભૂપેન્દ્ર પટેલ આજે પાલનપુરના જલોત્રા ગામે કાર્યકર્તાના ઘરે રાત્રિ રોકાણ કરશે
- પીએમ મોદી 22મી ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારથી બે દિવસ માટે બનાસકાંઠાના પ્રવાસે જઈ રહ્યા છે. જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મંગળવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. જેના માટે 182 વિધાનસભામાં કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠાના ડીસામાં હોવાથી મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. જ્યારે બાકીના ધારાસભ્યો પોતપોતાના મતક્ષેત્રોમાં ઉપસ્થિત રહશે.
પીએમ નરેન્દ્ર મોદી આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરશે. ડીસામાં રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાલનપુર- અંબાજી હાઈવે ઉપર આવેલા જલોત્રા ગામે કાર્યકરના ઘરે રાત્રી રોકાણ કરશે. રવિવારે અંબાજી દર્શને જશે, જ્યાં અનેકવિધ વિકાસલક્ષી અને યાત્રાળુ માટેના પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્તનું આયોજન કરાયું છે. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને 10 અને 11 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે ગુજરાતના દરેક ગામો અને શહેરોમાં કેન્દ્રની યોજના અનુસાર ગાંવ ચલો અભિયાન આરંભ્યુ છે. જેમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત પદાધિકારી, હોદ્દેદારોએ પોતાના મૂળ ગામ સિવાયના ગામોમાં કાર્યકર્તાઓના ઘરે જઈને રાત્રિ રોકાણ કરી સરકારી યોજનાઓ, મોદી સરકારની ઉપલબ્ધી અંગે સંવાદ રચવા કહેવાયુ છે. એ ગાંવ ચલો અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રી શનિવારે રાતે પાલનપુરના જલોત્રા ગામે કાર્યકરના ઘરે કરશે, ભોજન કરશે. પીએમ મોદી 22મી ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા 12 અને 13 ફેબ્રુઆરી એમ બે દિવસ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. મંગળવારે તેઓ સાણંદ વિધાનસભા મતક્ષેત્રમાં રૂ.1400 કરોડથી વધારે રકમના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરશે. અમિત શાહ મોરબીના ટંકારામાં આવી રહેલા રાષ્ટ્રપતિ સાથેના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.


