- ભારત રત્નથી સન્માનિત મહાનુભાવોના સન્માનમાં ચર્ચા
- જયંત ચૌધરી સંબોધન કરવા ઊભા થતાં કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો
- કોંગ્રેસે હોબાળો મચાવતા જયંત ચૌધરીના પક્ષે આવ્યા રૂપાલા
રાજ્યસભામાં ભારત રત્નથી સન્માનિત મહાનુભાવોના સન્માનમાં ચર્ચા દરમિયાન જ્યારે ચૌધરી ચરણ સિંહનો ઉલ્લેખ થયો અને જયંત ચૌધરી બોલવા માટે ઉભા થયા ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા વિપક્ષના હોબાળાથી નારાજ થઈ ગયા અને કોંગ્રેસને ચેતવણી આપી કે ‘ખેડૂતોનો અવાજ દબાવી શકે તેવું આ દેશમાં કોઈ પેદા નથી થયું…. ‘
શું બની હતી ઘટના?
વાસ્તવમાં જયંત ચૌધરીએ રાજ્યસભામાં બોલવાનું શરૂ કરતાંની સાથે જ કોંગ્રેસના સભ્યોએ વાંધો વ્યક્ત કર્યો અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યું કે કયા નિયમ હેઠળ RLD નેતાને બોલવાની અનુમતિ આપવામાં આવી છે? ખડગેએ કહ્યું કે આ ગર્વની વાત છે અને આપણે પૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ, ચરણ સિંહ અને એમએસ સ્વામીનાથનને સલામ કરીએ છીએ.
ખડગેએ કહ્યું કે ‘ભારત રત્નથી નેતાઓને સન્માનિત કરવા પર કોઈ ચર્ચા નથી. હું દરેકને સલામ કરું છું, પરંતુ જો કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તમે કયા નિયમ હેઠળ પૂછો છો. મારે જાણવું છે કે જયંત ચૌધરીને કયા નિયમો હેઠળ બોલવાની મંજૂરી આપવામાં આવી છે? કૃપા કરીને અમને પણ મંજૂરી આપો. એક તરફ તમે નિયમોની વાત કરો છો. તમારી પાસે વિવેક છે. તે વિવેકબુદ્ધિનો ઉપયોગ સમજદારીપૂર્વક થવો જોઈએ અને જ્યારે તમને એવું લાગે ત્યારે જ નહીં. ત્યારબાદ, ગૃહમાં ભારે હોબાળો થયો હતો.
પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસને સંભળાવી ખરી-ખોટી
ખડગેના વાંધાઓ પર, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી અને પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે ‘સદનમાં નિયમોનું પાલન થવું જોઈએ. આજે જ્યારે ગૃહમાં ચૌધરી ચરણસિંહને ભારત રત્ન મળવા બદલ તેમના પૌત્ર જયંત ચૌધરી સહિત આખું ગૃહ અભિનંદન આપવા બેઠું હતું, ત્યારે મને નવાઈ લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ ઉભા થઈને વિરોધ કેમ કર્યો? વિપક્ષના સાંસદોએ હંગામો મચાવતા જ પરષોત્તમ રૂપાલા ગુસ્સે થઈ ગયા અને કહ્યું, ‘સાંભળો… સાંભળો… ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી. એ નહીં થાય… તમે એક ખેડૂતની પ્રશંસા નથી સાંભળી શકતા. એક ખેડૂતને મળ્યો ભારત રત્ન, આમાં કોંગ્રેસની છાવણીમાં કેમ આગ લાગી?
રૂપાલાએ કહ્યું કે, ‘જ્યારે વિપક્ષના નેતા બોલે છે ત્યારે અધ્યક્ષઅમને કહો છો કે વિપક્ષના નેતા બોલે છે, તેમની વાત સાંભળો, પરંતુ હવે એ જ વિરોધપક્ષના નેતા તમને કહી રહ્યા છે કે તમે તમારી મરજી મુજબ કામ કરી શકતા નથી. અને તે પણ આવા પ્રસંગોએ, જ્યારે ખેડૂતને ભારત રત્ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોંગ્રેસનું ચરિત્ર છે.


