- ત્રિદિવસીય મહોત્સવનું રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં સમાપન
- આર્ય સમાજ રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એ જ દયાનંદજીને સાચી શ્રાદ્ધાંજલિ’
- મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ હતા
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મહોત્સવના દ્વિતીય દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ એવા દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના 17 દેશોમાંથી, દેશભરમાંથી આવેલા આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા.
દયાનંદજીની જન્મભૂમિ ગુજરાત અને કર્મભૂમિ હરિયાણામાં પણ લાંબા સમય સુધી કાર્ય કરવાનો અને જાણવાનો મને અવસર મળ્યો છે એ મારા માટે સૌભાગ્યની વાત છે. સમાજનો એક વર્ગ જયારે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યો હતો ત્યારે દયાનંદજીએ ‘વેદો તરફ્ પાછા વળો’ નો મંત્ર આપી રૂઢિઓ પર પ્રહારો કર્યા હતા, જેના કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે. આર્ય સમાજ 21મી સદીમાં નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એજ દયાનંદજીને સાચી શ્રાદ્ધાંજલિ હશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો દેશની સમૃદ્ધિ તથા ઉન્નતિમાં અનન્ય ફળો રહ્યો છે. તેઓએ 1875માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી, 1879માં હરિયાણાના રેવાડીમાં દેશની સૌ પ્રથમ ગૌશાળાનું નિર્માણ કર્યું. આજે કેન્દ્ર તથા રાજ્યની સરકાર પણ ગૌ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ દયાનંદજીની ગૌસેવાની પરિકલ્પનાને સાકાર કરી રહી છે.


