તા.28 એપ્રિલે પરમ સૌમ્યાજીના 1011 આયંબિલ તપની પૂર્ણાહુતિ અને ભાગવતી દીક્ષા મહોત્સવ યોજાશે
આ જગતમાં જે સહન કરી શકે તે જ મહાન બની શકે છે!જે સહન કરે તે પૂજાય છે:નમ્રમુનિ
મહાનગર મુંબઈના હજારો ભાવિકો જેમના મંગલ આગમનની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં હતાં એવા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજનો ઘાટકોપરમાં મંગલ પ્રવેશ થયો છે. ઉવસ્સગહર સ્તોત્રની દિવ્ય જપ સાધના સાથે મુમુક્ષુ યશ્વીદીદી નંદુની દીક્ષા આજ્ઞા અવસર થતાં સર્વત્ર આનંદ વર્તી રહ્યો છે. 2023, ગિરનારની ગોદમાં ચાતુર્માસ કલ્પ સંપન્ન કરી, સુરત આદિ ક્ષેત્રોમાં અદભુત શાસન પ્રભાવના કરતાં કરતાં ફરી મુંબઈની ભૂમિમાં પધારેલાં રાષ્ટ્રસંત ગુરુદેવ આદિ સંતો એવમ મહાસતીજીઓની શોભાયાત્રા દ્વારા ભક્તિભીનું આગમન કરવામાં આવ્યું હતું. તેમજ મુમુક્ષુ યશ્વીદીદી નંદુના પ્રવેશ વધામણા તેમજ અત્યંત અહોભાવપૂર્વકના દીક્ષા આજ્ઞા પત્રના વધામણાના અનેરાં દ્રશ્યો સહુને અહોભાવિત કરી ગયાં હતાં.
કચ્છ લાકડીયાના માતા-પિતા હેમલતાબેન મહેન્દ્રભાઈ નંદુએ પોતાની દીકરીને સંયમ પંથે પ્રયાણ કરવા અર્થે દીક્ષા આજ્ઞા પત્ર પર મંજૂરીના હસ્તાક્ષર કર્યાં હતાં. આ અવસરે મુમુક્ષુ યશ્વીદીદી નંદુએ પોતાના સંયમ ભાવો વ્યક્ત કર્યા હતા કે, કઈ રીતે પ્રભુના એક વચન પરમ ગુરુદેવના મુખેથી શ્રવણ થતાં પોતાના સંસાર પર question માર્ક મૂકાયો અને પ્રારંભ થઈ એમની પ્રભુ પંથે પ્રયાણ કરવાની journey! આ અવસરે રાષ્ટ્રસંત ગુરુદેવના મુખેથી વર્ષ 2014માં દીક્ષા અંગીકાર કરનારા મહતપસ્વી સૌમ્યાજી મહાસતીજીની અજોડ તપ સાધના, નિરંતર 1011 આયંબિલ મહાતપ સાધનાની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેમનો તપ સન્માન સમારોહ એવમ મુમુક્ષુ યશ્વીદીદી નંદુનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવની ઉદઘોષણા 28 એપ્રિલ,2024ના થતાં હર્ષની હેલી છવાઈ છે. આ સાથે પારસધામના આંગણે દરરોજ રાત્રે 8:30થી 9:30 દરમ્યાન ગુરુદેવના મુખેથી રાત્રિ પ્રવચનનું આયોજન કરાયું છે. આ પ્રસંગમાં ભાવિકોને જોડાવા પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવેલ છે.


