- ભારત-UAE વચ્ચેના સંબંધો મજબૂત થયા: વડાપ્રધાન મોદી
- UAEએ પીએમ મોદીનું કર્યું ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માન
- UAEનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કરોડો ભારતીયોનું સન્માન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં વિદેશી ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે હું મારા પરિવારના સભ્યોને મળવા આવ્યો છું. દરિયાપાર જે દેશની માટીમાં તમે જન્મ લીધો છે તે દેશની માટીની સુવાસ તમારા માટે લાવ્યો છું. પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે 140 કરોડ ભારતીય ભાઈ-બહેનોને તમારા પર ગર્વ છે. તમે સૌ દેશનું ગૌરવ છો. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નું સુંદર ચિત્ર, તમારો અવાજ આજે આકાશને આંબી રહ્યો છે. આ ક્ષણ મારા માટે જબરજસ્ત છે. હું અહીં આવેલા તમામ લોકોનો આભાર માનું છું.
ભારત-UAE વચ્ચેના સંબંધો મજબૂત થયા: PM મોદી
પ્રવાસી ભારતીયોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે અબુધાબીમાંથી તમારો ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો અવાજ ગુંજી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું, ‘મારી સાથે શેખ નાહયાન પણ હાજર છે. જે ભારત અને ભારતીય સમુદાયના સારા મિત્ર છે. આજે આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું શેખ બિન ઝાયેદનો આભાર વ્યક્ત કરું છું. આ ઉષ્માપૂર્ણ સમારોહ તેમના સમર્થન વિના શક્ય ન હોત.
UAE નો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કરોડો ભારતીયોનું સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખુશી છે કે અમને શેખ નાહયાનનું ભારતમાં ચાર વખત સ્વાગત કરવાની તક પણ મળી છે. અગાઉ જ્યારે તેઓ ગુજરાત આવ્યા હતા, ત્યારે લાખો લોકો તેમનો આભાર વ્યક્ત કરવા રસ્તાની બંને બાજુએ ભેગા થયા હતા. તમે જાણો છો કે આ કૃતજ્ઞતા શેના માટે હતી. કૃતજ્ઞતા એટલા માટે હતી કારણ કે UAEમાં તેઓ જે રીતે તમારી બધાની કાળજી રાખે છે અને તમારા હિતોનું ધ્યાન રાખે છે તે ભાગ્યે જ જોવા મળે છે. પીએમ મોદીએ કહ્યું, એ પણ મારું સૌભાગ્ય છે કે UAEએ મને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કર્યો છે. આ માત્ર મારું સન્માન નથી પરંતુ કરોડો ભારતીયોનું સન્માન છે, તમારા બધાનું સન્માન છે.
‘અવકાશમાં પણ ભારત-UAE મિત્રતાનો લહેરાયો ધ્વજ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અબુધાબીમાં ભવ્ય દિવ્ય મંદિરના ઉદ્ઘાટનનો હવે ઐતિહાસિક સમય આવી ગયો છે. ભારત-UAE મિત્રતા જમીન પર એટલી જ મજબૂત છે જેટલી તેનો ધ્વજ અવકાશમાં પણ લહેરાતો હોય છે. હું અવકાશમાં સમય પસાર કરનાર UAEના પ્રથમ અવકાશયાત્રીને અભિનંદન આપું છું.


