- વધુ ભીષણ બનતું ઇઝરાયલ હમાસ વચ્ચેનું યુદ્ધ
- ઇઝરાયલ સેનાના હુમલામાં 61 લોકોના મોત
- આ હુમલામાં 100 થી વધુ લોકોના મોત: હમાસ
છેલ્લા અઢી ત્રણ મહિનાથી ચાલી રહેલા ઇઝરાયલ હમાસ વચ્ચેનું યુદ્ધ શાંત થવાને બદલે દિવસેને દિવસે વધુને વધુ ભીષણ બનતું જઈ રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં અત્યારસુધીનો સૌથી મોટો હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે. જેમાં ઓછામાં ઓછા 61 લોકોના મોત થયાના અહેવાલો છે. ઇઝરાયલ સેનાએ 14 મકાનો અને 3 મસ્જિદને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો.
બે બંધકોને મુક્ત કરાવવામાં આવ્યા
ઇઝરાયલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે હુમલો હમાસના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો હતો. હુમલો કરીને ઇઝરાયલે બે બંધકોને પણ હમાસના કબ્જામાંથી મુક્ત કરાવ્યા હોવાનો દાવો છે. ઇઝરાયલે કહ્યું છે કે ફર્નાન્ડો સાયમન અને લુઈસ હારને હમાસના આતંકીઓએ બંધક બનાવ્યા હતા, તેમને આ ઓપરેશન બાદ મુક્ત કરાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ઇઝરાયલે જ્યારે ગાઝા પર હુમલો કર્યો ત્યારે, હજારો લોકો રાફા બોર્ડર પાસે રહેવા આવી ગયા. અહી ઘણી ભીડ પણ એકત્રિત થઈ ગઈ છે.
હમાસે કર્યો 100 લોકોના મોતનો દાવો
હમાસે રાફામાં ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલ હુમલામાં 100 લોકોના મોત થયાનો દાવો કર્યો છે. ઇઝરાયલ સતત પેલેસ્ટિનિયનોને મારી રહ્યું છે. જેવા પેલેસ્ટિનિયનો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે કે તરત બીજી તરફ ઇઝરાયલી સેના હુમલો કરી દે છે માસૂમ લોકોને મારી રહી છે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ રવિવારે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેમણે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને અનેક વાતોના ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે ગાઝામાં બાકી રહી ચૂકેલા 132 ઇઝરાયલી બંધકો આ વિસ્તારમાં ઇઝરાયલ તરફથી કરવામાં આવતી કાર્યવાહીને યોગ્ય પુરવાર કરવા માટે પૂરતા છે. બંધકોને લઈને જ્યારે નેતન્યાહુને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે અમે બંધકોને પરત લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
જણાવી દઈએ કે આ યુદ્ધની શરૂઆત હમાસે કરી હતી. જ્યારે તેણે ઇઝરાયલ પર તાબડતોબ હુમલાઓ કર્યા હતા. ત્યારબાદ, ઇઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી જે યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે.


