- આરોપીએ તેના જ ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું
- સુરેન્દ્રનગરના ખાટકીવાડનો યુવાન ગત તા.10મીએ ગાંજા સાથે પકડાયો હતો
- શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે તેના ખેતરમાં જ ગાંજાનું વાવેતર કર્યુ
સુરેન્દ્રનગર જિલ્લામાં માદક દ્રવ્યોની બદીને ડામવા પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. હજુ ગત શનિવારે જ સુરેન્દ્રનગર શહેરના ખાટકીવાડમાંથી સુકા ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો હતો. ત્યારે 4 દિવસમાં જ બીજીવાર ગાંજા સાથે યુવાનને ઝડપી લેવાયો છે. જેમાં ચોટીલા તાલુકાના પીપરાળીનો શખ્સ 10 કિલો સુકા ગાંજા સાથે ઝડપાયો છે. આ શખ્સે પોતાના ખેતરમાં જ ગાંજાનું વાવેતર કરી ગાંજાનો પાક ઉતારી લીધો હોવાનું પણ સામે આવ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં માદક દ્રવ્યોની બદીને ડામવા જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ કડક આદેશો કર્યા છે. જેમાં હજુ ગત શનીવારે તા. 10ના રોજ જ શહેરના ખાટકીવાડમાંથી મુળ લખતરના જયદીપ ઉર્ફે ઝાકીર રમણીકલાલ પટેલને પ00 ગ્રામ સુકા ગાંજા સાથે ઝડપી લીધો હતો. ત્યારે એસઓજી ટીમે 4 દિવસમાં વધુ એક સફળ રેડ કરીને ચોટીલાના પીપરાળીના ખેડૂતને 10 કિલો ગાંજા સાથે પકડી પાડયો છે. બનાવની ચોટીલા પોલીસ મથકેથી આ અંગેની વધુમાં મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટ, પીએસઆઈ વી.ઓ.વાળા, અનીરૂધ્ધસીંહ સહિતનાઓએ બાતમીને આધારે ચોટીલા તાલુકાના પીપરાળી ગામે મંગળવારે મોડી સાંજે દરોડો કર્યો હતો. જેમાં પીપરાળીની સીમમાં હબીયાસર ગામના રસ્તે આવેલ અશોક રાજાભાઈ મકવાણાની વાડીમાં રેડ કરાતા વાડીની ઓરડીમાંથી 10 કિલો સુકો ગાંજો મળી આવ્યો હતો. આથી પોલીસે 35 વર્ષીય અશોક રાજાભાઈ મકવાણાને રૂપીયા 50 હજારની કિંમતના 10 કિલો સુકા ગાંજા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે તેના ખેતરમાં જ ગાંજાનું વાવેતર કર્યુ હતુ. અને ગાંજાનો પાક આવી ગયા બાદ ઉતારી લીધો હતો. અને સુકો ગાંજો વાડીની ઓરડીમાં રાખ્યો હતો. ઝડપાયેલ અશોક રાજાભાઈ મકવાણા સામે ચોટીલા પોલીસ મથકે નાર્કોટીકસ એકટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ પીઆઈ એસ.ડી.પટેલ ચલાવી રહ્યા છે.


