- પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી ગત જાન્યુઆરીમાં મારામારી કરી લૂંટ ચલાવી હતી
- થાન પોલીસ મથકે ગત જાન્યુઆરીમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી
- બનાવમાં બે પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરમાં ગત તા. 21મી જાન્યુઆરીએ બે પરિવારો વચ્ચે મારામારીની સામ-સામી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા દંપતીએ સુરેન્દ્રનગર કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.
થાનના નવાવાસમાં રહેતા સોનલબેન દિલીપભાઈ પરમારે ગત તા. 21મી જાન્યુઆરીએ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી મયુર ઉર્ફે ગની ભોજાભાઈ પરમાર, કાળુભાઈ પરમાર, સચીન ભોજાભાઈ પરમાર, કેતન ઉર્ફે મછો મનસુખભાઈ રાઠોડ, ભોજાભાઈ પરમાર, નંદાબેન મનસુખભાઈ રાઠોડ અને મનસુખભાઈ તેજાભાઈ રાઠોડ તેમના ઘરે લોખંડના પાઈપ, લાકડાના ધોકા, છરી લઈને ધસી આવ્યા હતા અને એક સંપ કરી સોનલબેનને અપશબ્દો કહી, જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ. 10 હજારની રોકડ ભરેલી થેલીની લૂંટ ચલાવી હતી. આ કેસમાં પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા નંદાબેન મનસુખભાઈ રાઠોડ અને મનસુખભાઈ તેજાભાઈ રાઠોડે ગત તા. 5મી ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર બીજી એડીશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ આર.બી.રાઓલે દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીઓ તથા ફરિયાદ એક જ ગામના છે. જો તેઓને આગોતરા જામીન મળશે તો ફરીવાર ઝઘડો થવાની શકયતા રહેલી છે. આથી સુરેન્દ્રનગર બીજા એડિશનલ સેશન્સ જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપીઓ નંદાબેન મનસુખભાઈ રાઠોડ અને મનસુખભાઈ તેજાભાઈ રાઠોડની આગોતરા જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.


